‘તેરા તુજકો અર્પણ’: ફ્રોડમાં ગયેલા રૂપિયા 4.45 લાખ અને ગુમ થયેલા 10 મોબાઈલ પરત અપાવતી પોલીસ
રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘તેરા તુજકો અર્પણ’ની પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે ત્યારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા લોકોના ફ્રોડમાં ગયેલા રૂા.4.45 લાખ અને ગુમ થયેલા કે ખોવાયેલા 10 જેટલા મોબાઈલ સાયબર ક્રાઈમ સ્કવોર્ડ દ્વારા શોધી અને મુળ માલિકને પરત કરતાં નાગરિકોએ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.
હાલના સમયમાં લોકો લોભ, લાલચ કે ડરના કારણે અથવા તો ટેકનોલોજીની જાણકારીના અભાવે સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે ત્યારે રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના વિસ્તારનાં લોકોને જ્યારે સાયબર ક્રાઈમના બનાવ બાબતે કોઈ મદદ જોઈતી હોય અથવા તો સાયબર ક્રાઈમનો ભોગ ને ત્યારે તેઓની અરજી ફરિયાદમાં ત્વરીત કાર્યવાહી કરી તેઓના સાયબર ફ્રોડમાં ગયેલા નાણાં પરત અપાવવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જે.સી.પી.મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા અને એસીપી પશ્ર્ચિમ વિભાગ રાધિકા ભારાઈની સુચનાને અનુસંધાને ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એસ.આર.મેઘાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનની સાયબર સ્કવોર્ડના પીએસઆઈ પી.જી.રોહળીયા, એએસઆઈ સલીમભાઈ મકરાણી, હેડ કોન્સ્ટેબ સી.એમ.ગોહિલ, કોન્સ્ટેબલ હરેશભાઈ ગોહેલ, રાવતભાઈ મકવાણા અને શૈલેષભાઈ ડાભી સહિતનાં સ્ટાફે કામગીરી કરે છે. હાલમાં ગાંધીગ્રામ વિસ્તારનાં અરજદારો સાથે અલગ અલગ રીતે બનેલા સાયબર ફ્રોડના 4.45 લાખ રૂપિયા મુળ માલિકને પરત અપાવ્યા હતાં. તેમજ 10 જેટલા મોબાઈલ જેની કિંમત રૂા.1.57 લાખ થાય તે પણ મુળ માલિકને પરત કર્યા હતાં.