રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ST અનામત અંગે અત્યારથી જ ખેંચતાણ શરૂ
રાજકોટ શહેરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ આદિવાસી અનામત સીટ (ST રિઝર્વ સીટ) પર રાજકીય ખેંચતાણ અને વિવાદ શરૂૂ થયો છે. આદિવાસી સમાજે ગુજરાત સરકારને રજૂઆત કરી છે કે અનામત સીટ રોટેશનના નિયમોનું પાલન કરીને જાળવી રાખવામાં આવે.
આદિવાસી સમાજના અગ્રણીઓએ કરેલી રજૂઆત મુજબ, રાજકોટ ખાતે વર્ષોથી આદિવાસી અનામત સીટ ફાળવવામાં આવતી હોય છે. હાલમાં આ અનામત સીટમાં વધારો કરીને બે (2) કરી આપવામાં આવી છે. આ બે સીટ આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ વધે અને રાજકોટમાં આદિવાસી સમાજને ન્યાય મળી રહે તે હેતુથી સરકારશ્રીના ચૂંટણપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તે સમયે આદિવાસી અનામત સીટ વોર્ડ નં. 1, વોર્ડ નં. 7, વોર્ડ નં. 14 અને વોર્ડ નં. 18 એમ ચાર વોર્ડમાં સીમાંકન મુજબ કુલ ચાર બેઠક રહે તે પ્રમાણે ફાળવેલ હતી.
સમાજની રજૂઆત અનુસાર, તે પૈકી વોર્ડ નં. 1 માંથી તેમજ વોર્ડ નં. 15 માંથી રોટેશન થયું હતું, જેમાં વોર્ડ નં. 1 માં પુરુષ અને વોર્ડ નં. 15 માં મહિલા રોટેશન જતું રહ્યું હતું. જોકે, વોર્ડ નં. 15 માં આદિવાસી મહિલાને ટિકિટ ન આપી હોવાનો આક્ષેપ છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં, આદિવાસી સમાજની સીટ રોટેશન પ્રમાણે આદિવાસી અનામત વોર્ડ નં. 7 માં આવતી હોય તેવો દાવો કરવામાં આવ્યો છે. જોકે, સમાજની ચિંતા છે કે તેમનું પ્રતિનિધિત્વ વોર્ડ નં. 7 માંથી ન થાય અને અનામત સીટ કોઈ રાજકીય કે કોઈ કદાવર નેતાની છાપ ધરાવતા વ્યક્તિ દ્વારા ગેરરીતિ કરીને બીજાને લાભ કરાવવામાં આવે.
સાથે જ, રાજકીય પક્ષોને ચેતવણી આપવામાં આવી છે કે જો બોગસ આદિવાસી દાખલા ઊભા કરીને ખોટા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો આદિવાસી સમાજ દ્વારા તે ઉમેદવાર વિરુદ્ધ કાયદાકીય આંદોલન ચાલુ કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા અપાયેલ વિશ્ર્લેષણ સમિતિના કાયદા પ્રણાલી મુજબ ચેલેન્જ કરીને તેમના જાતિના દાખલા કેન્સલ કરાવવાની લડત માંડવામાં આવશે.