રાજકોટમાં સતત ચોથા દિવસે 44 ડિગ્રી તાપમાન
22 કિ.મી.ની ઝડપે લૂ ફૂંકાઈ, શનિવારથી ચાર દિવસ વાઝડી સાથે કમોસમી વરસાદની આગાહી
રાજકોટમાં આજે પણ હિટવેવ ચાલુ રહ્યો છે. આજે બપોરે 2:30 વાગ્યે શહેરનું તાપમાન 44 ડિગ્રી સે. નોંધાવા સાથે 22 કિ.મી.ની ઝડપે લુ ફુંકાતા શહેરના રસ્તાઓ ઉપર કુદરતી કર્ફ્યુ જેવી સ્થિતિ જોવા મળી હતી.
બીજી તરફ આગામી તા. 3ને શનિવારથી કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત 14 જિલ્લામાં વિજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા ખેડુતોમાં ચિંતાની લાગણી ફેલાયેલ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તા. 3થી 6 દરમિયાન ચાર દિવસ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વિજળીના કડાકા-ભડાકા અને 30થી 40 કિ.મી.ની ઝડપે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. દરમિયાન આજે પણ સતત ચોથા દિવસે પણ રાજકોટમાં અગનવર્ષા ચાલુ રહી હોય તેમ બપોરે 2:30 વાગ્યે 22 કિ.મી. પવનની ઝડપ વચ્ચે પણ 44 ડિગ્રી તાપમાન નોંધાતા અંગ દઝાડતી લુ ફુંકાઈ હતી. સાંજે 4 વાગ્યા સુધીમાં 44.5 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે.