બહુમાળી બિલ્ડિંગોમાં ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ ફરજિયાત
રાજ્ય સરકારે ગેઝેટ બહાર પાડી CGDCRમાં કર્યો ફેરફાર, તાત્કાલિક અસરથી અમલ
ફ્લોરિંગ એરિયાનું ત્રણ કેટેગરીમાં વિભાજન, ટેલિકોમ ડિપાર્ટમેન્ટના NOC બાદ જ બી.યુ. પરમિશન મળશે
ગુજરાતમાં બહુમાળી બિલ્ડીંગોમાં ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી છે. અને આ માટે જીડીસીઆરમાં પણ ફેરફાર કરવામા આવ્યો છે.ગુજરાત સરકારે બહાર પાડેલા ગેઝેટમાં બહુમાળી બિલ્ડીંગોમાં ટેલી કોમ્યુનિકેશન સિસ્ટમ ફીટ કરવા માટે ત્રણ કેટેગરી બનાવી છે અને ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ ફીટ થયાનું ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન નવી દિલ્હીનું એનઓસી મળ્યા બાદ જ બિલ્ડર બિલ્ડિંગ યુઝ (બી.યુ.) પરમીશન માટે જે-તે ઓથોરિટીમાં અરજી કરી શકશે.
રાજ્ય સરકારે ગેઝેટ બહાર પાડી સીજીડીસીઆરમાં પણ ફેરફાર કરી નાખ્યો છે. અને લો રાઈઝડ તથા હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ ફરજિયાત બનાવી છે. સાથો સાથ બિલ્ડીંગમાં ટેલિફોનીક આંતર માળખાકિય સુવિધા માટે વધારાના કોઈ પણ વાયરો ફેલાવવાની મનાઈ કરી છે.
સરકારે બહાર પાડેલા ગેઝેટમાં જણાવ્યા મુજબ ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ બનાવવા માટે બહુમાળી બિલ્ડીંગોને ત્રણ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જે મુજબ જે બિલ્ડીંગનો ફ્લોર એરિયા 465 સ્ક્વેર મિટરથી વધુ હોય તે બિલ્ડીંગમાં 33.4 મીટરનો ખાસ રૂમ ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ માટે બનાવવાનો રહેશે. જ્યારે ફ્લોર એરિયા 930 મીટરથી વધુ હોય તેવા બિલ્ડીંગોમાં ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ માટે બે રૂમ બનાવવાના રહેશે. ત્રીજી કેટેગરીમાં 465 સ્ક્વેર મીટરથી નાના ફ્લોર એરિયા ધરાવતા બિલ્ડીંગમાં ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ માટે ખાસ કેબિનેટ બનાવવાની રહેશે. આ તમામ વધારાનું બાંધકામ એફએસઆઈમાંથી બાદ આપવામાં આવશે.
આ ફેરફારો, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની નવીનતમ સૂચનામાં વિગતવાર, સમગ્ર રાજ્યમાં ટેલિકોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા અને વિશ્વસનીયતા સુધારવા માટે રચાયેલ છે.
6 જુલાઇ, 2024 થી નવા નિયમો અમલી બનાવવામાં આવ્યા છે. આ નિયમ મુજબ 15 મીટરથી વધુની ઉંચાઈ ધરાવતી તમામ ઇમારતો, તેમજ કોમર્શિયલ, શૈક્ષણિક, આરોગ્યસંભાળ અને અન્ય જાહેર ઇમારતોએ, કોમન ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઇન-બિલ્ડિંગ સોલ્યુશન્સ સિસ્ટમ લગાવવી ફરજિયાત છે. આમાં હાઇ-સ્પીડ ડેટા એક્સેસ, સુધારેલ મોબાઇલ અને ફાઇબર બ્રોડબેન્ડ નેટવર્ક ગુણવત્તા અને ઘટેલા કોલ ડ્રોપ્સનો સમાવેશ થાય છે.
મુખ્ય જોગવાઈઓમાં ટેલિકોમ એન્ફોર્સમેન્ટ રિસોર્સ એન્ડ મોનિટરિંગ સેલ તરફથી ફરજિયાત આઈબીએસ મંજૂરીઓ, ઈમારતોની અંદર ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જગ્યાની યોગ્ય ફાળવણી અને તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓ માટે વાજબી ઍક્સેસનો સમાવેશ થાય છે. આ પગલાંથી સમગ્ર રાજ્યમાં ટેલિકોમ્યુનિકેશન સેવાઓમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે, જે ગુજરાતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિને ટેકો મળશે.
ક્યાં ક્યાં પ્રકારની બિલ્ડિંગોને
આ નિયમ લાગુ પડશે
1) 15 મીટર કરતા વધુ ઉંચાઈની તમામ બિલ્ડીંગો
2) કોમર્શીયલ બિલ્ડીંગ
3) મર્કન્ટાઈલ બિલ્ડીંગ
4) શૈક્ષણિક બિલ્ડીંગ
5) ઈન્ફોર્મેશન ટેક્નો.કંપનીઓના બિલ્ડીંગ
6) મીક્સ જમીન વપરાશ પરવાનગી વાળા બિલ્ડીંગ
7) હોસ્પિટલો
8) જાહેર બિલ્ડીંગો
9) ટ્રાન્સ્પોટેશન માટેના તમામ બિલ્ડીંગ