વિજયના નિર્ધાર સાથે ટીમ ઇન્ડિયાની સખત નેટ પ્રેક્ટિસ
આવતીકાલથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીનો ત્રીજો ટેસ્ટ મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ સાથે શરૂ થવા જઈ રહ્યો છે. આમ તો મેચને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ આજે પણ ભારતીય ક્રિકેટ ટીમ સવારે 9:30 વાગ્યાથી મેદાન ઉપર આવીને સખત નેટ પ્રેક્ટિસ કરી હતી. ટીમ આવતાની સાથે જ કોચ રાહુલ દ્રવિડ વિકેટ ઉપર પહોંચીને વિકેટ અંગેનો અભ્યાસ કર્યો હતો. તેમણે પીચ ક્યુરેટર સાથે પણ વાતચીત કરી હતી.આવતીકાલે જ્યારે મેચ શરૂ થશે ત્યારે ટોસ મહત્વની ભૂમિકા ભજવશે. સ્વાભાવીક રીતે જ રાજકોટની વિકેટ બેટિંગ વિકેટ હોવાને કારણે જે ટીમ ટોસ જીતશે તે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરશે. દરમિયાન ભારતીય ટીમના નવોદિત દેવેન્દ્ર પડીકલ તેમજ રજત પાટીદારે પણ આજે સખત નેક પ્રેક્ટિસ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટેસ્ટ મેચમાં કે એલ રાહુલ અને શ્રેયાન્સ ઐયર ઇજાને કારણે બહાર છે. ત્યારે દેવેન્દ્ર અને રજત પાટીદાર માટે ફરી એક વખત મોકો ઉપસ્થિત થયો છે. અન્ય ક્રિકેટરોની સાથે આજે શુબમન ગીલે પણ પ્રેક્ટિસ કરી હતી. ગીલે રાજકોટની વિકેટ ઉપર છેલ્લે ટી20 મેચમાં માં સદી ફટકારી હતી.