50 કલાકની તાલીમના સમયગાળા મામલે શિક્ષકસંઘ-સરકાર સામસામે
18થી 29 સપ્ટેમ્બર દરમિયાન ત્રિમાસિક પરીક્ષા નજીક હોય વેકેશનમાં રાખવા માંગણી
શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષકોની સતત તાલીમ અત્યંત જરૂૂરી છે પરંતુ આ તાલીમનો સમયગાળો વિદ્યાર્થીઓના શિક્ષણને નુકસાન ન પહોંચાડે તે જોવું પણ એટલું જ મહત્વનું છે. હાલમાં, રાજ્ય સરકાર દ્વારા ધોરણ 3 થી 8 ના શિક્ષકો માટે 50 કલાકની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જે 18 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ નિર્ણય સામે શિક્ષક સંઘે વિરોધ નોંધાવ્યો છે, કારણ કે આ સમયગાળો ત્રિમાસિક પરીક્ષા નજીકનો છે.
શિક્ષકોને પરીક્ષાની તૈયારીઓ કરાવવા, પેપર સેટ કરવા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું હોય છે, ત્યારે તાલીમમાં વ્યસ્ત રહેવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
શિક્ષણ વિભાગનો ઉદ્દેશ્ય સારો હોઈ શકે છે, પરંતુ તેના અમલીકરણનો સમય યોગ્ય નથી. એક તરફ, વિદ્યાર્થીઓ તેમની ત્રિમાસિક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને બીજી તરફ, તેમના શિક્ષકો તાલીમમાં વ્યસ્ત રહેશે. આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન નહીં મળે, જે તેમના પરિણામ પર નકારાત્મક અસર કરી શકે છે.
શિક્ષક સંઘે આ મુદ્દે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આ તાલીમ વેકેશન દરમિયાન, જેમ કે દિવાળી અથવા ઉનાળાના વેકેશનમાં, યોજવી જોઈએ જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે. આ માંગણી વાજબી છે કારણ કે, વેકેશનમાં તાલીમ યોજવાથી શિક્ષકો પણ પૂરા ધ્યાનથી તાલીમ લઈ શકશે અને વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય પણ અટકશે નહીં.