શિક્ષકોને BLOની કામગીરી દરમિયાન જ તાલીમની સૂચના
રાજ્યની જુદીજુદી સ્કૂલોમાં ફરજ બજાવતાં શિક્ષકોને હાલમાં એસઆઇઆરની કામગીરી સોંપવામાં આવી છે.આ કામગીરીને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે.આ દરમિયાન શિક્ષણ વિભાગની સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા શિક્ષકોની તાલીમનો તઘલખી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રકારના પરિપત્ર સામે હાલમાં કોર્પોરેશનની સ્કૂલ બોર્ડના શિક્ષકો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો છે.
શિક્ષકો દ્વારા એવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે કે, શિક્ષકોને બીએલઓની કામગીરીમાં જોડવામાં આવે છે ત્યારબાદ તાલીમ મેળવવા માટે સૂચના આપવામાં આવે છે. આમ, શિક્ષકો આ તમામ કામગીરી કરે કે પછી વિદ્યાર્થીઓને ભણાવે તેની સમજ પડતી નથી. શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂૂપિયાનું સાહિત્ય અને સામગ્રી ખરીદવામાં આવે છે. આમ છતાં નેશનલ સર્વેમાં ગુજરાતના શિક્ષણની ગુણવત્તા તળિયે પહોંચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ધો.1 અને 2ના શિક્ષકોને નવેમ્બર માસમાં બે દિવસની બિન નિવાસી તાલીમ યોજવાનું નક્કી કરાયું છે. તાલીમનો સમય સવારે 10થી 5નો રાખવામાં આવ્યો છે તેનો વિરોધ થઇ રહ્યો છે.