અધ્યાપકોનો લાખોમાં પગાર, કોર્સ અધુરો હોવાની ભવનોમાં બૂમરાણ
અભ્યાસક્રમ પુરો થયો ન હોય પેપરમાં મુશ્કેલી પડશે, પરીક્ષા મોડી લેવા વિદ્યાર્થીઓની કુલપતિને રજુઆત
અંગ્રેજી, ફિઝિકસ, ઇલેકટ્રોનિક ભવનની પરીક્ષા 27 માર્ચના બદલે 11 એપ્રિલે લેવા યુનિ.ની તૈયારી
પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ, કોલેજોમાં અભ્યાસ કરતા છાત્રોમાં કચવાટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટિમાં આગામી 27 માર્ચે સેમેસ્ટર 4ની પરિક્ષા લેવામાં આવશે. પરંતુ યુનિવર્સિટીના કેટલાક ભવનોમાં કોર્ષ અધુરો હોવાની બુમરાળો ઉઠવા પામી છે. કુલપતિને કરાયેલી રજુઆતમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે કોર્ષ પુરો નહીં થયો હોવાથી પરીક્ષાની તૈયારીમાં મુશ્કેલી પડશે અને પેપર સારા નહી જાય તેથી તૈયારી માટેનો સમય મળી રહે તે માટે પરીક્ષાઓ પાછી ઠેલવવા રજુઆત કરી હતી. લાખોમાં પગાર લેતા અધ્યાપકો કોર્ષ પુરો નહીં કરી શકતા વિદ્યાર્થીઓને સમસ્યા થઇ રહી હોવાથી કચવાટ ફેલાયો છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અંગ્રેજી ભવન, ઇલકેટ્રોનીકસ ડિપાર્ટમેન્ટ અને ફિઝીકસ વિભાગમાં કોર્ષ પુરો થયો નથી. જેના કારણે વિદ્યાર્થીઓને પરિક્ષામાં મુશ્કેલી પડી શકે છે. આ અંગેની રજુઆત કુલપતીને કરવામાં આવી હતી. જેથી આગામી 27 માર્ચના બદલે તા.11 એપ્રિલથી ત્રણેય ભવનની પરીક્ષા લેવા નિર્ણય કરાયો છે. ભવનના વિદ્યાર્થીઓની પરીક્ષા પાછળ ઠેલવાતા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મુંજવણમાં મુકાઇ ગયા છે.
અંગ્રેજી ભવનમાં હાલ 4 સિનિયર અને ત્રણ જુનીયર અધ્યાપકો મળી સાત પ્રોફેસરો કાર્યરત છે. જયારે સેમેસ્ટર 4માં 45 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. લાખોમાં પગાર લેતા અધ્યાપકોની નિષ્ક્રીયતાના કારણે કોર્ષ અધુરો રહી ગયો છે. પોતાની આ બેદરકારી પર ઢાંક પીછોડો કરવા માટે અધ્યાપકોએ વિદ્યાર્થીઓને આગળ કર્યા છે અને પરીક્ષા પાછી ઠેલવવા માટે કુલપતીને વિદ્યાર્થીઓ મારફત રજુઆત કરાવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. દર વર્ષે અંગ્રેજી ભવનમાં જ આ પ્રકારની બેદરકારી સામે આવી છે. અગાઉ પણ 2021 અને 2022માં કોર્ષ પુરો નહીં થતા પરીક્ષા પાછી ઠેલવવાની રજુઆત કરવામાં આવી હતી.
અંગ્રેજી ભવનમાં કોર્ષ પુરો નહીં થયો હોવાના કારણે પરીક્ષા પાછી ઠેલવાઇ છે ત્યારે જામનગર અને રાજકોટની કેટલીક કોલેજોમાં અંગ્રેજી પીજી- સેમ ચારમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓને પણ ભોગવવું પડી રહ્યું છે. પરીક્ષા મોડી હોવાના કારણે રીજલ્ટ પણ મોડું આવવાની શકયતા છે. આ ડીગ્રી સર્ટીફિકેટ મળવાનું સત્ર હોવાના કારણે પરિણામ મોડું આવે તો કેટલાક વિદ્યાર્થીઓને નોકરીમાંથી પણ હાથ ધોઇ બેસવું પડે તેવી સ્થીતી સર્જાય તેમ છે. નોંધનીય છે કે અગાઉ ટાઇમટેબલ મુજબ પરીક્ષા લેવાનું નક્કી હોય છે તેમ છતા કોર્ષ પુરો થયો નથી. લાખોમાં પગાર લેનાર ભવનના અધ્યાક્ષો, પ્રોફેસરો સામે યુનિવર્સિટી શા માટે કોઇ કાર્યવાહી કરતી નથી. તેવા સવાલો વિદ્યાર્થીઓમાં ઉઠી રહ્યા છે.
ભવનમાં થતા કાર્યક્રમો, સેમિનારોના કારણે વિદ્યાર્થીઓને તૈયારીનો સમય ન મળ્યો હોવાથી રજૂઆત: ડો.રવી ઝાલા
અંગ્રેજી ભવનના અધ્યણ ડો.રવી ઝાલાએ જણાવ્યું હતું કે ભવનોમાં વિવિધ કાર્યક્રમો સેમીનારો અને સંશોધનાત્મક કાર્યક્રમો થતા હોવાના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે પુરતો સમય મળતો નથી અને કોર્ષ પણ અધુરો રહી જતો હોવાથી વિદ્યાર્થીઓને સમય મળી રહે તે માટે કુલપતિ સમક્ષ રજુઆત વિદ્યાર્થીઓ દ્વારા કરાઇ છે.
યુનિવર્સિટીના નિયમ મુજબ પરીક્ષા પાછી ઠેલવાઇ: કુલપતિ
અંગ્રેજી, ફિજિકસ અને ઇલેકટ્રોનીકસ ભવનમાંથી પરીક્ષા પાછી ઠેલવવાની રજુઆત મળી હતી. જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્ટેચ્યુટની જોગવાઇ મુજબ પરીક્ષા પાછી ઠેલવવામાં આવી છે. વિદ્યાર્થીઓને પુરતો સમય મળી રહે તે અંતર્ગત હવે તા.11 એપ્રિલથી પરીક્ષા શરૂ કરાશે તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ઉત્પલ જોષીએ જણાવ્યું હતું.