ઉનામાં ‘હતાશ’ વિદ્યાર્થીઓનું કાઉન્સેલીંગ કરી ‘હિંમત’ આપનાર શિક્ષિકાનો આપઘાત
મૃતક પાંચ મહિના પહેલા જ જાફરાબાદની સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરીએ લાગ્યા હતા
ઉનામાં રહેતા અને જાફરાબાદની મોડલ સ્કૂલમાં સમાજ શાસ્ત્ર વિષયનો અભ્યાસ કરાવતા શિક્ષિકાએ સવારે કોઈ અકળ કારણોસર રસોડામાં પંખાના હૂક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. ડિપ્રેશનમાં રહેતા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી હિંમત આપતા શિક્ષિકાએ પોતે જ આવું આત્યંતિક પગલંવ ભરી લેતાં આશ્ચર્ય અને આઘાત સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.
મુળ નવાબંદરના વતની અને હાલ શાહ એચ.ડી. હાઈસ્કૂલ સામે આવેલી સોસાયટીમાં રહેતા કાજલબેન તેજાભાઈ વાઢેર (ઉ.વ.30) પાંચેક માસ પહેલા જાફરાબાદની મોડલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરીએ લાગ્યા હતા. સમાજ શાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરાવતા કાજલબેને મનોવિજ્ઞાાન વિષયનો અભ્યાસ કર્યો હતો. તેઓ કોઈ વિદ્યાર્થી ડિપ્રેશનમાં હોય તો તેનું કાઉન્સેલિંગ કરી હિંમત આપતા હતા.
આ શિક્ષિકા કાજલબેને વહેલી સવારે કોઈ કારણસર પોતાના મકાનના રસોડામાં પંખાના હૂક સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સવારે તેમના માતાએ ઉઠીને જોયું તો તેમની પુત્રી પંખા સાથે જોવા મળતાં તેમણે બૂમાબૂમ કરી મુકી હતી. તેમના ભાઈ રાકેશભાઈએ પોલીસને જાણ કરતા પીએસઆઈ હરપાલસિંહ સરવૈયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તપાસ કરતા કોઈ સુસાઈડ નોટ મળી ન હતી. પોલીસે મૃતદેહને પીએમમાં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. શિક્ષિકાના આ પગલાથી પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, કાજલબેનના પિતા તેજાભાઈ વાઢેરને કિડનીની બિમારી છે, તેની સારવાર ચાલી રહી છે.