સુરતમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા ગર્ભપાત બાદ જેલહવાલે
સુરતમાં પાંચમાં ધોરણના 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી 23 વર્ષીય શિક્ષિકા પકડાયા બાદ ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. ગર્ભવતી બનેલી શિક્ષિકાએ ગર્ભપાત માટે કરેલી અરજીને કોર્ટે મંજૂર કરી હતી. જે અંતર્ગત લાજપોર જેલમાંથી શિક્ષિકાનો કબજો મેળવીને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં શિક્ષિકાનો ગર્ભપાત કરાયો હતો. આ દરમિયાન શિક્ષિકા દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે. જેમાં પોલીસે જામીનનો વિરોધ કર્યો છે. જો કે, કોર્ટમાં જામીન અંગનો નિર્ણય સોમવારે લેવાશે હાલ કોર્ટમાં પેન્ડિંગ છે.
લાજપોર જેલમાંથી શિક્ષિકાએ વકીલ દ્વારા ગર્ભપાત કરાવવાની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગાયનેક ડોક્ટરના રિપોર્ટ બાદ કોર્ટે શિક્ષિકાના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી હતી. લાજપોર જેલમાંથી શિક્ષિકાને પોલીસ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેનો માનસિક અને શારીરિક રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે ફિટ જણાતા મિની ડિલિવરી થકી ગર્ભપાત કરવામાં આવ્યો હતો. શિક્ષિકાની સ્થિતિ સામાન્ય હોવાથી અંદાજે બે દિવસ બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા ફરી લાજપોર જેલ ખસેડવામાં આવી હતી. લાજપોર જેલ ખસેડાયાના 5 દિવસ બાદ શિક્ષિકા દ્વારા વકીલ મારફતે જામીન અરજી કરવામાં આવી હતી.આરોપી શિક્ષિકાના વકીલે જણાવ્યું હતું કે, શિક્ષિકા દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. તેના પર કોર્ટમાં સામસામે દલીલો કરવામાં આવી હતી. હાલ તમામ દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને આગામી સોમવારના રોજ તેને જામીન આપવામાં આવશે કે નહીં તેનો નિર્ણય આપવામાં આવશે.