ગોંડલની રામોદ પ્રાથમિક શાળાના શિક્ષકનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
શિક્ષકના આપઘાત અંગે ઘુંટાતુ રહસ્ય, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
ગોંડલનાં ગોમટામાં આવેલા ફાટક પાસે વહેલી સવારે 8 વાગ્યા આસપાસ રામોદની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. ગોમટા ફાટક થી વીરપુર બાજુ આશરે બે કિલોમીટર દૂર રાજકોટ - વેરાવળ પેસેન્જર ટ્રેન નં - 59422 નીચે મૂળ મોવિયા ના હાલ ગોમટા રહેતા અને રામોદ માં શિક્ષક તરીકે ફરજ બજાવતા નીતિનભાઈ ગિરધરભાઈ કાલરીયા (ઉ.વ. 47) એ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પી.એમ માટે શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મૃતક શિક્ષકને સંતાનમાં પાંચ વર્ષ નાં બેલડાનાં એક દીકરો અને એક દીકરી છે.તેમના માતા તથા નાનાભાઇ મોવિયા રહે છે. પિતા હયાત નથી. નીતિનભાઈ એ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસે શિક્ષકે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.