SIRની કામગીરીથી કંટાળી શિક્ષકે આપઘાત વહોરી લીધો
મારાથી કોઇ કાળે આ કામ થઇ શકે તેમ નથી અને માનસિક તણાવ અનુભવું છું: પત્નીને લખેલી હૃદયદ્રાવક સુસાઇડ નોટ
"પરિવાર દ્વારા લાશ સ્વીકારવાનો ઈનકાર: જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવા માંગણી”
કોડીનાર તાલુકાના દેવળી ગામના રહેવાસી અને છારા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા અરવિંદભાઈ મૂળજીભાઈ વાઢેર નામના શિક્ષકે આજે વહેલી સવારે તેમના ઘરે ગળેફાસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. બીએલઓ તરીકે કામગીરી કરતા આ શિક્ષક શારીરિક અને સતત માનસિક તણાવને કારણે આ આપઘાત કરી લીધો હોવાનું તેમણે લખેલી સુસાઇડ નોટ નોટમાં જણાવ્યું છે.
આપઘાત કરતા પૂર્વે આ શિક્ષકે તેની પત્નીને સંબોધન કરતી એક સુસાઇડ નોટ લખી હતી અને તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે મારાથી કોઈ પણ કાળે આ એસઆઇઆરની કામગીરી થઈ શકે તેમ નથી અને ઘણા દિવસોથી આ કામગીરીથી થાક અને માનસિક તાણ અનુભવતો હોય મજબૂર બનીને પગલું ભરું છું.
આ ઘટનાની જાણ થતા કોડીનાર સરકારી દવાખાને મોટી સંખ્યામાં શિક્ષકો ઉમટી પડ્યા હતા. આ શિક્ષકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. મૃતકના પરિવારજનો દ્વારા મૃતક શિક્ષકને દબાણ કરનાર જવાબદારો સામે પગલા ભરાય નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. તેમજ મૃતકની પત્ની ભણેલગણેલ હોય સરકારી નોકરી આપવા માગણી કરવામાં આવી છે.
કોડીનાર શિક્ષક સંઘના પ્રમુખ રણજીતભાઈ ગોહિલે શિક્ષકના આપઘાત અંગે દુ:ખ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે કોડીનાર તાલુકાના 700 જેટલા શિક્ષક કર્મચારી છે જેમાં 200 જેટલા શિક્ષકોને બીએલઓ તરીકે ફરજિયાત કામગીરી સોંપવામાં આવી છે શિક્ષકોને સોંપવામાં આવેલી આ કામગીરીથી શિક્ષણ ઉપર ગંભીર અસર તો પડી જ છે સાથે આ કામગીરી કરતા શિક્ષકોને કામગીરી ઝડપી પૂરી કરવા માટેના દબાણથી માનસિક રીતે પડી ભાંગ્યા છે બીએલઓ ની કામગીરી કરતા શિક્ષકોને એસઆઈઆર ના ફોર્મ ભરીને તેઓની બીએલઓ એપ્લિકેશન સાઈટ ઉપર અપલોડ કરવાના હોય છે આ કામગીરીમાં તેઓને ઓટીપી આપવાનું હોય છે એમાં પણ સર્વર ડાઉન થાય તો સાઈડ ઘડીકમાં ખુલતી ન હોય લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.
શિક્ષકો આવી કામગીરીમાં 12 થી 15 કલાક કામ કરતા હોય અને કરેલી કામગીરીના ફોર્મ અપલોડ કરવામાં પણ સમય લાગતો હોય માનસિક રીતે હેરાન થઈ જાય છે મૃતક અરવિંદભાઈ શાંત અને સરળ સ્વભાવના શિક્ષક હતા તેમના આપઘાતથી ખૂબ જ દુ:ખ વ્યક્ત કર્યો હતો અને આ અંગે તેઓ વિવિધ સંગઠનોમાં પણ રજૂઆત કરશે તેમજ મૃતકના પરિવારને મોટું વળતર સરકાર દ્વારા આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
શિક્ષકે લખેલી સુસાઇડ નોટ
પ્રિય પત્ની સંગીતા
મારાથી કોઇપણ કાળે હવે આ SIR કામ થઇ શકે તેમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું.
તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે. હું તમને બંનેને ખૂબ જ ચાહું છું. પણ, હવે ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઇ રસ્તો નથી. મારો આ થેલો અહીં પડ્યો છે. તેમાં બધું જ કામગીરીનું સાહિત્ય છે, તે સ્કૂલે આપી દેજે. I am very Sorry My Dear Wife Sangita and My Loving Dear son Krishay. Dt. 21-11-2025 Time - 6.35 am