મહિકાની ખાનગી સ્કૂલમાં શિક્ષકે છાત્રને ફૂટપટ્ટીથી માર્યો
હોમવર્ક કરીને ન જતાં શિક્ષકે હથેળીમાં ફૂટ ફટકારી: વિદ્યાર્થી સારવારમાં
શહેરની ભાગોળે ભાવનગર હાઈ-વે પર આવેલા મહિકા ગામે આવેલી ખાનગી સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને ફુટપટ્ટીથી માર માર્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. ધો.6માં અભ્યાસ કરતો વિદ્યાર્થી હોમવર્ક કરીને ન આવતાં શિક્ષક દ્વારા હાથમાં ફુટપટ્ટી ફટકારતાં તેને ઈજા થઈ હતી. જેથી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ તાલુકાના ગઢકા ગામે રહેતો અને મહિકા ગામે આવેલી ડ્રીમલેન્ડ સ્કૂલમાં ધો.6માં અભ્યાસ કરતો 11 વર્ષિય છાત્ર ગઈકાલે સવારે સ્કૂલે ગયો હતો. જ્યાંથી બપોરે સ્કૂલેથી છુટીને ઘરે આવ્યો ત્યારે તેની હથેળીમાં ઈજા હોવાથી માતા-પિતા દ્વારા તેને શું થયું તે અંગે પુછવામાં આવતાં વિદ્યાર્થીએ જણાવેલું કે તે સવારે સ્કૂલે ગયો ત્યારે તેણે હોમવર્ક કરેલું ન હોવાથી સ્કૂલના શિક્ષક અજય સરે ફુટપટ્ટી વડે હાથમાં માર માર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી વાલી દ્વારા સ્કૂલમાં રજૂઆત કર્યા બાદ બાળકને હાથમાં દુ:ખાવો થતો હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા એકસ-રે પડાવી તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજી ડેમ પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થી બે ભાઈમાં મોટો અને તેના પિતા ડ્રાઈવીંગ કામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થી નિયમીત ગઢકા ગામેથી મહિકા સ્કૂલે સ્કૂલ બસમાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અગાઉ પણ તેના બીજા પુત્રને માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાળકને હાથમાં ફુટપટ્ટી મારતાં ઈજા થઈ હોય જે અંગે પણ સ્કૂલ દ્વારા જાણ કરવામાં આવી ન હતી. આગામી સમયમાં કોઈ અન્ય બાળક સાથે આવું ન બને તે માટે જરૂરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
તમારે કેસ કરવો હોય તો કરી દયો: પ્રિન્સિપાલ
મહિકા ગામે ડ્રીમ લેન્ડ સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર મારવાના બનાવમાં વિદ્યાર્થીના પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગઈકાલે સાંજે તેનો પુત્ર ઘરે આવ્યો ત્યારે હાથમાં ઈજા હોવાથી તેને પુછતાં અજય સરે ફુટપટ્ટી માર્યાનું જણાવ્યું હતું. જેથી તેઓ આજે સવારે સ્કૂલે રજૂઆત કરવા ગયા હતાં ત્યારે સ્કૂલના પ્રિન્સીપાલ ઘનશ્યામ સર દ્વારા તમારે કેસ કરવો હોય તો કરી દો. તેવો જવાબ આપવામાં આવ્યો હતો.