બાકીદારોની મિલકત સિલ કરવા દિવાળી પછી વેરા વિભાગ કરશે મેગા ડ્રાઇવ
1.80 લાખથી વધુ મિલકતધારકોનો વેરોબાકી હોવાથી ત્રણેય ઝોનમાં એકસાથે કાર્યવાહી કરવા તંત્ર સજ્જ
શહેરમા આવેલ પ.30 લાખ મિલ્કતો પૈકી 40 ટકા મિલ્કત ધારકો વેરો ભરપાઇ કરતા ન હોવાથી મનપા દ્વારા આ વર્ષે પણ દિવાળી બાદ મિલ્કત સિલીંગ અને જપ્તી સહીતની કાર્યવાહી માટે અંદાજે 1.80 લાખથી વધુ મિલ્કત ધારકો વિરુધ્ધ મેગા ડ્રાઇવ યોજવામા આવશે.
મનપાના વેરા વિભાગે બાકીદારોને ઓક્ટોબર માસના પ્રારંભથી જ વેરા બિલની બજવણી શરૂૂ કરી છે જેમાં સૌ પ્રથમ સ્પીડ પોસ્ટથી બિલ મોકલ્યા બાદ ત્રણ વખત એસએમએસ અને ત્યારબાદ ત્રણ વખત વ્હોટ્સ એપ અને ઇમેઇલ, આ મુજબ કુલ સાત વખત વેરા બિલની બજવણી કર્યા બાદ દિવાળીના તહેવારો બાદ લાભ પાંચમ પછીથી તુરંત મેગા સિલીંગ ડ્રાઇવ શરૂૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
ટેક્સ બ્રાન્ચના વર્તુળોએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનાના અંતે રૂૂ.10 હજારથી વધુ રકમનો વેરો બાકી હોય તેવા 1.50 લાખ બાકીદારોને વેરા બિલ સ્પીડ પોસ્ટથી રવાના કરાયા હતા જેની બજવણી ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં કરાઇ હતી, ત્યારબાદ અન્ય તમામ મિલકતધારકોને રૂૂટિન પોસ્ટથી બિલની બજવણી કરાઇ હતી. બિલની બજવણી થયા બાદ બાકીદારોના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર 3 વખત એસએમએસથી અને ત્રણ વખત વ્હોટ્સ એપથી વેરા બિલની બજવણી કરાઇ હતી.
આ મુજબ કુલ સાત વખત બિલ બજવણી કમ આઉટ સ્ટેન્ડિંગ અંગે રિમાઇન્ડર આપવામાં આવ્યા બાદ હવે દિવાળીના તહેવારો પછી કોઈ પણ ચમરબંધીની શેહ શરમ કે ભલામણ રાખ્યા વિના મેગા સિલીંગ ડ્રાઇવ શરૂૂ થશે. અલબત્ત હાલમાં પણ એકલ દોકલ મિલકતો સીલ કરવાનું ચાલું જ છે.ટેક્સ બ્રાન્ચે સ્પીડ પોસ્ટથી મોકલેલા કુલ 1.50 વેરા બિલમાંથી લગભગ 50 હજાર જેટલા વેરા બિલ રિટર્ન થયા છે. અમુક બિલ કોઈએ નહીં સ્વીકારવાને કારણે તો અમુક બિલ મિલકતધારક સ્થળાંતર કરી ગયા હોવાને કારણે રિટર્ન થયા છે. જ્યાંથી બિલ રિટર્ન થયા છે તેવા સ્થળે તપાસ માટે વોર્ડ ઇન્સ્પેકટરની ટીમને મોકલવામાં આવી રહી છે.
ટેક્સ બ્રાન્ચ દ્વારા શહેરના તમામ બાકીદારો તેમજ મિલકતધારકોને હાલ સુધીમાં સાત વખત વેરા બિલની બજવણી કરવામાં આવ્યાનું જાહેર કરાયું છે, આમ છતાં જો કોઈને વેરા બિલ મળ્યું ન હોય તો તેમણે ટેક્સ બ્રાન્ચમાં ઇમેઇલ અને મોબાઇલ નંબર અપડેટ કરાવવા જણાવાયું છે.
