વેરા વિભાગનો સપાટો: 11171 બાકીદારોને જપ્તીની નોટિસ
વાર્ષિક લક્ષાંક 454 કરોડ પૂર્ણ કરવા આસામીઓને ઘરે જઇ રૂબરૂ બજવણી કરી કડક સૂચના અપાઇ
મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરાનો ચાલુ વર્ષનો રૂા.454 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા બાકી દારો વિરૂધ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે 1 લાખથી વધુ જૂના બાકી દારોને નોટિસ આપવાનુ પ્રારંભ કરી અત્યાર સુધીમાં 50 હજારથી વધુ રકમ બાકી હોય તેવા 11171 આસામીઓને રૂબરૂ નોટીસ આપી સમય મર્યાદામાં વેરો ભરપાઇ કરવાની સૂચના આપી છે. જે પૈકી 665 બાકી દારોને મિલકત જપ્તી અંગે નોટીસ ફટકારવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.
મનપાના વેરા વિભાગ દ્વારા વર્ષના પ્રારંભે વળતર યોજના અતર્ગત બે લાખથી વધુ પ્રમાણિક કરદાઓ પાસેથી વેરા વસુલાત કરી છે. ત્યાર બાદ બાકી રહી ગયેલા 30 હજારથી વધુ કરદાતાઓએ વેરો ભરપાઇ કરતા મનપાની આજ સુધીની આવક રૂા.300 કરોડને પાર થઇ ગઇ છે. મનપાની હદમાં આવતી અંદાજે 5.30 લાખ મિલકતો પૈકી અડધોઅડધ મિલકત ધારકોનો વેરો બાકી હોય વેરા વિભાગે પોસ્ટ મારફતે બિલ-કમ-ડિમાન્ડ નોટીસ પાઠવ્યા બાદ હવે મિલકત જપ્તી તેમજ સીલીંગ સહિતની કામગીરી હાથ ધરવા બાકી દારોનુ લીસ્ટ તૈયાર કરી તમામને ઘરે જઇને નોટીસની બજવણી કરવામાં આવી છે.
ત્રણેયઝોનના 18 વોર્ડમાં આવેલ કોમર્શિયલ અને રહેણાંકની મિલકતો કે, જેમનો રૂા.50 હજારથી વધુ વેરો બાકી હોય તેવા 11171 મિલકત ધારકોને નોટીસ આપવામાં આવી છે. તેવી જ રીતે અગાઉ ડિમાન્ડ નોટીસ અપાઇ ચૂકી હોય અને આજસુધી વેરો ભરપાઇ ન કર્યો હોય તેવા 665 મિલકત ધારકોને જપ્તીની નોટીસ આપવામાં આવી છેે. ચાલુ વર્ષ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં આવેલ કોમર્શિયલ સહિતની 207 મિલકતો સીલ કરવામાં આવી છે. જે પૈકી અમૂક મિલકત ધારકોએ રકમ ભરપાઇ કરતા 40થી વધુ મિલકતોના સીલ ખોલવામાં આવ્યા હોવાનુ જાણવા મળેલ છે.
મહાનગરપાલિકાના વેરા વિભાગને ચાલુ વર્ષના બજેટમાં વેરાની આવકમાં રૂા.454 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેમાં આજ સુધી મનપાની આવક 300 કરોડને પાર થઇ ચૂકી છે. છતા 154 કરોડ ભેગા કરવા હવે વેરા વિભાગે કમર કસી બાકી દારો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા નોટીસની બજવણી શરૂ કરી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ જાન્યુઆરી માસથી સીલીંગ તેમજ જપ્તી સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે. જે માર્ચના અંત સુધી ચાલુ રહશે. કુલ 11171 આસામીઓને નોટીસ ફટકારઇ છે. જેમાં સૌથી વધુ કોમર્શિયલ મિલકતો હોવાનુ જાણવા મળેલ છે. તેમજ 20 હજારથી વધુ મિલકતોમાં કોર્ટે કેસ અથવા ભાડા સંબંધીત કાર્યવાહી ચાલુ હોવાથી આ વર્ષે પણ આ પ્રકારની મિલકતોનો વેરો ગૂમાવવો પડે તેવુ લાગી રહ્યું છે.
સરકારી મિલકતોનું કરોડો રૂપિયાનું લેણુ બાકી
મનપા દ્વારા વેરા વિભાગનો 454 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા બાકીદારોને નોટીસો આપવાનુ ચાલુ કર્યુ છે. પરંતુ દર વર્ષેની માફક આ વર્ષે પણ કેન્દ્ર અને ગુજરાત સરકારની સરકારી કચેરીઓનુ બાકી રહેલ કરોડોે રૂપિયાની ઉઘરાણી થઇ શકે તેમ નથી વેરા વિભાગના જણાવ્યા મુજબ મોટાભાગની સરકારી કચેરી પબ્લીક પ્રોપર્ટી હોવાના કારણે આ પ્રકારની મિકલતો વિરૂધ્ધ સીલીંગ સહિતની કામગીરી થઇ શકતી નથી. તેમજ મોટાભાગની કચેરીઓનો વેરો ગ્રાન્ટ આધારીત હોવાથી ફકત દરેક કચેરીઓને વેરો ભરવા માટે પત્ર પાઠવવામાં આવી રહ્યો છે. છતા દર વર્ષે સરકારી કચેરીઓનુ કરોડો રૂપિયાનુ લેણુ બાકી રહી જાય છે.