કોડીનાર પંથકના ખેડૂતોની વ્હારે તાલુકા કો-ઓપરેટીવ બેન્કિંગ યુનિયન આવી
કોડીનાર તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. ખેતરોમાં તૈયાર થયેલા મગફળી, સોયાબીન સહિતના ખરીફ પાકોને મોટા પાયે નુકસાન થયું છે, અને મોટાભાગનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. ખેડૂતોની આ દયનીય સ્થિતિ જોતાં, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ સહકારી અગ્રણીઓ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ખેડૂતોની કફોડી પરિસ્થિતિથી વ્યથિત થઈને દિનુભાઈ સોલંકીએ તાત્કાલિક કોડીનાર તાલુકા કો-ઓપરેટીવ બેન્કિંગ યુનિયન લી.ના ચેરમેન પ્રતાપસિંહ એસ. ડોડીયા અને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે બેઠક કરી હતી. તેમણે બેંક દ્વારા આ કપરી પરિસ્થિતિમાં ખેડૂતોને મહત્તમ મદદરૂૂપ થવા માટે બેંકના બોર્ડ ઑફ ડિરેક્ટરને હૃદયપૂર્વક અનુરોધ કર્યો હતો.આ અનુરોધના પગલે, બેંકના ચેરમેન પ્રતાપસિંહ એસ. ડોડીયાએ બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે બેઠક યોજીને આજે યુનિયન બેંક ખાતે કોડીનાર તાલુકાના અગ્રણી શીવાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં એક મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો હતો.
નવી વાવણીની સીઝન નજીક આવી રહી છે, ત્યારે ખેડૂતો પાસે બિયારણ ખરીદવાના પણ નાણાં નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કોડીનાર તાલુકાના મુખ્ય પાક એવા શેરડીના બિયારણની ખરીદી માટે કોડીનાર તાલુકા કો-ઓપરેટીવ બેન્ક સાથે જોડાયેલી સંયોજિત મંડળીઓના સભાસદ ખેડૂતોને સભાસદ દીઠ ₹10,000 (દસ હજાર રૂૂપિયા) સુધીનું ધિરાણ શૂન્ય ટકા (0%)ના વ્યાજ દરે આપવાનો નિર્ણય લેવાયો છે.આ નિર્ણયથી ખેડૂતોને આવનારી સીઝનમાં વાવેતર કરવા માટે મોટો સહારો મળશે અને તેઓ વિના વ્યાજે શેરડી સહિત ના પાકોનું બિયારણ ખરીદી શકશે. કોડીનાર તાલુકા કો-ઓપરેટીવ યુનિયન બેંક અને તેની સંયોજિત મંડળીઓના કુલ 10,900 જેટલા સભાસદ ખેડૂતો આ વિસ્તારમાં છે. આ તમામ સભાસદોને આ વગર વ્યાજના ધિરાણની રકમથી સીધો અને સરળતાથી મોટો આર્થિક ફાયદો થશે.