નાણાવટી ચોક પાસે ઉપલેટાના તલાટી મંત્રીને અજાણી કારે ઉલાળ્યા
ઇજાગ્રસ્તની હાલત ગંભીર: પોલીસમેન ભાઇએ ફરિયાદ નોંધાવી
નાણાવટી ચોક પાસે અજાણ્યાં કાર ચાલકે ઉપલેટામાં ફરજ બજાવતાં તલાટી મંત્રીને હડફેટે લેતાં માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
વધુ વિગતો મુજબ, રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર રહેતાં સામતભાઈ મુળજીભાઈ ગઢવી (ઉ.વ.47) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્યાં કાર ચાલકનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ એ ડિવીજન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમના મોટાભાઈ દેવાંધભાઈ મૂળજીભાઈ ગઢવી (ઉ.વ.49) જે એક્સ આર્મીમેન છે અને હાલ ઉપલેટા તાલુકામાં તલાટી મંત્રી તરીકે નોકરી કરે છે અને તેઓ રેલનગરમાં જ રહે છે.
ગઈકાલ રાત્રિના સાડા આઠેક વાગ્યાની આસ પાસ તેમને ભત્રીજા કિશનનો ફોન આવેલ કે, મારા પપ્પા દેવાંધભાઈ રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ 150 ફૂટ રીંગ રોડ પરથી ઘરે આવતા હતા ત્યારે નાણાવટી ચોક પાસે તેમનું બુલેટ ચલાવી એકલા આવતા હતા ત્યારે કોઈ અજાણી કારે તેમના બુલેટને સાઈડમાંથી હડફેટમાં લેતા તેઓ પડી ગયેલ અને માથે-મોઢે ઈજા થતા તેમને 108 માં સીવીલ હોસ્પિટલમાં સારવારમાં લાવેલ છે. જેથી તેઓ તુરંત જ સરકારી હોસ્પિટલે ગયેલ અને ભાઈને માથાના ભાગે ઈજા થતાં ચારેક ટાંકા આવેલ હતાં. જે બાદ તેઓના ભાઈને વધું સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનાર અજાણ્યાં કાર ચાલકની શોધખોળ આદરી હતી.