ગ્રામપંચાયતોના ઓડિટ દસ્તાવેજો સબમિટ નહીં થાય તો તલાટી કમ મંત્રી-કલાર્ક જવાબદાર
ગુજરાતની ગ્રામ પંચાયતોમાં વર્ષોથી ચાલી આવતી ઓડિટ પેરા પેન્ડિંગની સમસ્યા હવે અસહ્ય બની છે. આ મુદ્દો વારંવાર વિધાનસભામાં ગુંજતો હોવાથી રાજ્ય સરકારે આખરે કડક વલણ અપનાવ્યું છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી, ક્લાર્ક તેમજ અન્ય કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં હાલ 14,000થી વધુ ગ્રામ પંચાયતો છે.આ તમામ પંચાયતોના હિસાબોનું ઓડિટ પંચાયત વિભાગના નિયામક દ્વારા કરવામાં આવે છે. પરંતુ મોટા ભાગની પંચાયતો ઓડિટ માટે જરૂૂરી દસ્તાવેજો જેમ કે વાઉચર, બેંક સ્ટેટમેન્ટ, રજિસ્ટર, સ્ટોક બુક સમયસર રજૂ નથી કરતી. પરિણામે હજારો ઓડિટ પેરા વર્ષોથી પેન્ડિંગ પડ્યા છે.
CAG રિપોર્ટમાં પણ આ મુદ્દે રાજ્ય સરકારને અનેક વખત ઠપકો અપાયો છે.25 નવેમ્બર 2025ના રોજ જાહેર કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. દરેક ગ્રામ પંચાયતે ઓડિટ ટીમની મુલાકાત પહેલાં 15 દિવસ અગાઉ તમામ જરૂૂરી દસ્તાવેજો તૈયાર રાખવા. ઓડિટ દરમિયાન જો કોઈ દસ્તાવેજ ગેરહાજર જણાશે તો તેની જવાબદારી સંબંધિત તલાટી-કમ-મંત્રી,કર્મચારીની ગણાશે.દસ્તાવેજો ન રજૂ કરવા કે વિલંબ કરવા પર ગુજરાત પંચાયત સેવા નિયમો હેઠળ તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી થશે જેમાં સસ્પેન્શન, પગાર કપાત કે બદલી સુદ્ધાંનો સમાવેશ થાય છે. તાલુકા વિકાસ અધિકારી ને સીધી જવાબદારી સોંપવામાં આવી છે કે તેઓ માસિક અહેવાલ આપે કે તેમના તાલુકાની કેટલી પંચાયતોએ સમયસર દસ્તાવેજો રજૂ કર્યા.