આજીડેમ ઓવરફ્લોની સેલ્ફી લેવા પર પ્રતિબંધ
સાવચેતીના પગલા રૂપે દરવાજા બંધ કરાયા, લોકો ઉમટી પડતા નવા સાઇન બોર્ડ મુકતું મનપા
શહેરમાં હવા ફરવાના સ્થળોમાં આજીડેમનો કેઝ લોકોમાં વધુ જોવા મળે છે. જેમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન ડેમમાં નવા નીરની આવક થાય અને ડેમ ઓવરફલો થવાનો હોય ત્યારે ઓવરફલો દરમિયાન પાણી નદીમાં પડતુ હોય તે દૃશ્યો સાથે લોકો સેલ્ફી લેવા ઉમટી પડતા હોય છે. જેના લીધે દુર્ઘટનાની સંભાવના હોવાથી મહાનગર પાલિકાએ હાલ આજીડેમ ઓવરફલો થવાની અણી ઉપર હોવાથી આજથી ઓવરફલો ક્ષેત્રમાં દરવાજાઓ બંધ કરી નવા સાઇન બોર્ડ મૂકી ઓવરફલો સેલ્ફી ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.
સતત વરસાદના પગલે આજીડેમમાં નવા નીરની આવક થતાં ડેમ ઓવરફલો થવા ઉપર છે. જેના લીધે દર વખતની માફક આ વર્ષે પણ વોટર ફલો સાથે સેલ્ફી લેવા માટે ગઇકાલે રવિવારે લોકો ઉમટી પડ્યા હતા. નદીમાં પાણીનો પ્રવાહ તેજ ગતીમાં વહેતો હોય ત્યારે સેલ્ફી દેતી વખતે અકસ્માત બનાવાની શક્યતાઓ વધી જાય છે. આથી આગમચેતીના પગલા રૂપે ડેમ ઓવરફલો થાય તે પહેલા જ મહાનગરપાલિકાએ ડેમ ઉપર જવાના તમામ દરવાજાઓ બંધ કરી દીધા હતા. તેમજ વોટરફલો સ્થળે જવા ઉપર પ્રતિબંધ મૂકી ગાઠીયા બ્રેડ પ્લાસ્ટિક તથા ફૂલહાર, ફોટા, માતાજીની છબી કે કોઇ પણ પ્રકારની પાણીમા નાખવી નહીં તથા પગથીયાની આજુબાજુમાં કીડીયારુ પુરવુ નહીં તે પ્રકારના નવા સાઇનબોર્ડ મૂકી દેવામાં આવ્યા છે. આજીડેમ ખાતે ઉપસ્થિતિ સિક્યુરીટી સ્ટાફને લોકોને નિયમનુ ફરજિયાત પાલન કરાવવાની સૂચનાઓ આપવામાં આવી છે.