હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની કેનોપી તૂટી પડવાની ઘટનામાં કસૂરવારો સામે પગલાં ભરો
હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની કેનોપી તૂટી પડવાના બનાવમાં જવાબદાર તમામ સામે પગલા ભરી, એજન્સીને પેનલ્ટી ફટકારવાની માંગ કરતી એક રજૂઆત શહેર કોંગ્રેસના આગેવાનોએ એરપોર્ટના ડિરેક્ટરને કરી છે.
રજૂઆતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, જસવંતસિંહ ભટ્ટી, રાજદિપસિંહ જાડેજા, ગોપાલભાઈ અનડકટ તેમજ મેઘજીભાઈ રાઠોડએ જણાવ્યું છે કે, હિરાસર એરપોર્ટના બેદરકાર તંત્રના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકોટ બદનામ થઈ રહ્યું છે. કેનોપી તુટી પડવાની ઘટના બીજી વખત બની છે. હવે ત્રીજી વખત ન બને તેની તકેદારી લેવી જરૂરી છે. શું એરપોર્ટનું બાંધકામ જ નબળુ થયું છે? નહીં તો આવી ઘટનાઓ ન બને ! તા. 29-6-2024ને શનિવારે કેનોપી તુટી પડવાની દુર્ઘટના અંગે શું તપાસ કરાઈ? કોની સામે પગલા લેવાયા ? તેની વિગતો જાહેર કરો. આવી દુર્ઘટના કેમ બની અને તે મામલે કોની જવાબદારી ફિક્સ થાય છે તે મુસાફર જનતાના વિશાળ જાહેર કરવા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સર્વે હોદેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓની માંગણી છે.
આ અંગે હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના ડિરેક્ટરને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 11 સવાલ પછીને લેખિતમાં જવાબો મંગાયા છે. જેમાં એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરા, જનરલ મેનેજર (એન્જિનિયરીંગ) મુસાફરોના ફોન કેમ ઉપાડતા નથી? તેમને લગતી ફરિયાદ કોને કરવી? હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના ટોઈલેટ અને વોશ બેસીનમાં અવાર-નવાર પાણી કેમ બંધ થઈ જાય છે. કેનોપી તુટી જવાની દુર્ઘટનામાં કોની સામે શું પગલા લેવાયા? ચોમાસાના ચાર મહિનામાં કોઈ દૂર્ઘટના ન બને તે માટે તંત્રની શું તૈયારી છે? એરપોર્ટનો પ્રિ-મોન્સુન પ્લાન શું છે? તેની વિગતો જાહેર કરવી એરપોર્ટ મુસાફરોની સલામતી માટેની એડવાઈઝરીનું પાલન કરે છે કે નહીં?
તેમજ એરપોર્ટમાં જરૂરી સુવિધા કેમ નથી? તેનો ખુલાસો કરવા, એરપોર્ટનું બાંધકામ કેમ નબળું થયું છે? એજન્સી સામે શું પગલા લીધા? અને હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું બીયુપી અને ફાયર એનઓસી છે કે નહીં? તે જાહેર કરવા કોંગ્રેસની માંગ છે.