For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લગ્ન પ્રસંગે સમયસર બ્લાઉઝ ન સીવી આપતા દરજીને 7 હજારનો દંડ ફટકારાયો

05:04 PM Oct 28, 2025 IST | admin
લગ્ન પ્રસંગે સમયસર બ્લાઉઝ ન સીવી આપતા દરજીને 7 હજારનો દંડ ફટકારાયો

મહિલાએ એડવાન્સ ચૂકવ્યા હોવા છતાં સમયસર બ્લાઉઝ ન મળતા ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ કરી હતી: પંચે દરજીને મહિલાએ ચૂકવેલી રકમ વ્યાજ સહિત પરત કરવા અને 7000નો દંડ ચૂકવવા આદેશ કર્યો

Advertisement

અમદાવાદના સી.જી. રોડ પર આવેલી સોનીઝ ધી ડિઝાઇનર શોપના દરજીને એક મહિલા ગ્રાહકનું લગ્ન પ્રસંગનું બ્લાઉઝ સમયસર તૈયાર ન કરી આપવું મોંઘું પડ્યું. મહિલા ગ્રાહકે 4,395 એડવાન્સ ચૂકવીને ટ્રેડિશનલ સાડી માટે બ્લાઉઝનો ઓર્ડર આપ્યો હતો, જે લગ્ન પ્રસંગ પહેલા તૈયાર થવો જોઈતો હતો. જોકે, દરજીએ નક્કી કરેલા સમય મુજબ કામ ન કરતા અને બ્લાઉઝ ઓર્ડર મુજબ ન સીવતા મહિલા ગ્રાહકે ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ દાખલ કરી હતી. પંચે દરજીને મહિલાએ ચૂકવેલી રકમ વ્યાજ સહિત પરત કરવા અને માનસિક હેરાનગતિ તથા કેસના ખર્ચ પેટે વધારાના 7000 દંડ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો છે.

અમદાવાદના નવરંગપુરાના એક મહિલા ગ્રાહકે નવેમ્બર, 2024માં સોનીઝ ધી ડિઝાઇનર શોપ, સી.જી. રોડના ટેલર હરેશભાઇને લગ્નમાં ટ્રેડિશનલ સાડી માટે બ્લાઉઝની ડિઝાઇન અને કાપડ સાથે 4,395 રૂૂપિયા એડવાન્સમાં ચૂકવ્યા હતા. પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી 24 ડિસેમ્બરે પહેરવાનું બ્લાઉઝ સમયસર તૈયાર થઈ જાય તેવી મહિલા ગ્રાહકને અપેક્ષા હતી. દરજી અને મહિલા વચ્ચે નક્કી થયેલા સમય પ્રમાણે તે 14 ડિસેમ્બરે બ્લાઉઝ લેવા ગયા હતા, પરંતુ બ્લાઉઝ મહિલાના ઓર્ડર મુજબ સીવેલ નહોતો.

Advertisement

મહિલાએ દરજીને લગ્ન પ્રસંગ પહેલા બ્લાઉઝ સીવી આપવા જણાવ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ દરજીએ મહિલાને બ્લાઉઝ તૈયાર કરી આપ્યો નહીં. આથી મહિલા ગ્રાહકે સમયસર કામ ન કરવા બદલ દરજીને નોટિસ આપી, જેનો કોઈ જવાબ ના મળતા મહિલાએ અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ દાખલ કરી હતી. જેથી પંચે દરજીને નોટિસ પાઠવી હતી, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. એટલે કેસનો એકતરફી રીતે નિકાલ કરાયો હતો. કમિશન સમક્ષ મહિલાએ જાતે પોતાનો કેસ રજૂ કર્યો હતો. કમિશને હુકમમાં જણાવ્યું હતું કે, દરજીની બ્લાઉઝ સીવી ન આપવાની વૃત્તિ સેવા પ્રત્યેની ખામી દર્શાવે છે. તે કારણે ફરિયાદીને માનસિક તકલીફ થઈ છે. તેથી કમિશને દરજી હરીશભાઇને મહિલાએ ચૂકવેલ રકમ 4,395 રૂૂપિયા 7 ટકા વાર્ષિક વ્યાજ સહિત પરત આપવાનો અને માનસિક હેરાનગતિ તથા કેસના ખર્ચ માટે વધારાના વળતર પેટે 7 હજાર રૂૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ વળતર દરજીએ 45 દિવસમાં ચૂકવવું પડશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement