થાનગઢ નજીક ફેકટરીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
રિફાઈન્ડ કરાયેલું પામોલીન ઑઇલ પણ પકડાયું, 520 કિલો છૂટક ઘી, શ્રીભોગ ઘીનાં 1950 પેકેટ, બટરનાં 65 બોક્સ સીઝ કરાયાં
થાન-ચોટીલા રોડ ઉપર આવેલી શિવ ઈન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી અને ગુગલીયાણા વિસ્તારમાં આવેલી પેઢીમાં પુરવઠા વિભાગ અને ફૂડ વિભાગે દરોડો પાડી તપાસ કરતાં શંકાસ્પદ જણાઈ આવેલું 520 કિલો છૂટકથી. શ્રીભોગ બ્રાન્ડના ધીનાં 1950 પેકેટ અને બટરનાં 65 બોક્સ મળીને કુલ શ. 13,16,900 નો મુદ્દામાલ સિઝ કરાયો છે.
આ બંને જગ્યાના માલિક એક જ હોઈ આ માલ ડુપ્લિકેટ છે કે નહીં તેની તપાસ માટે ઘીના 2,તેલના 2 અને માખણનો 1 નમૂનો લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયો છે.
ચોટીલા અને થાન પંથકમાં નકલી ઘી બનાવવામાં આવતું હોવાની વિગતો ધ્યાને આવતાં પુરવઠા અધિકારી એ. જી. ગજ્જર અને ફૂડ વિભાગના પીયૂષ સાવલિયાએ ચોટીલા થાન રોડ ઉપર રાજેશભાઈ ભરતભાઈ ચાવડાની શિવમ્ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગની આ કામગીરીમાં શંકાસ્પદ જણાતો 520 કિલો છૂટક ઘીનો જથ્થો, શ્રીભોગ બ્રાંડના ઘીનાં 1950 પેકેટ અને બટરનાં 65 બોક્સ મળીને કુલ રૂૂ. 13,16,900 નો મુદ્દામાલ સીઝ કરાયો હતો.
આ બાબતે પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરે જણાવ્યું હતું કે વેપારીની થાનગઢ ખાતેના ગુગલીયાણામાં આવેલી અન્ય પેઢી મેસર્સ મહેશ્વરી પ્રોડક્ટ્સ એન્ડ કેમિકલ્સમાંથી રિફાઈન્ડ કરાયેલું પામોલીન ઑઇલનો જથ્થો પણ મળી આવ્યો છે. આ ઑઇલનો નમૂલો લઈને લેબોરેટરીમાં મોકલી અપાયો છે. સીઝ કરેલા જથ્થા અંગે હવે પુરવઠા વિભાગ કાર્યવાહી કરશે.