For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં યુવાનનું શંકાસ્પદ મોત, હત્યાની શંકા

01:48 PM Nov 27, 2025 IST | Bhumika
જૂનાગઢમાં યુવાનનું શંકાસ્પદ મોત  હત્યાની શંકા

જૂનાગઢ શહેરના બીલખા રોડ પર આવેલી સી.એલ. કોલેજ નજીક ગત મોડી રાત્રે એક ચોંકાવનારી અને શંકાસ્પદ ઘટના બની છે. આંબેડકરનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા 34 વર્ષીય જયદીપ સોસા નામના યુવકનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું છે. મોડી રાત્રે યુવકના ભાઈને કોઈક અજાણ્યા શખસનો ફોન આવ્યો હતો કે જયદીપ અહીં પડ્યો છે. યુવક જ્યારે બેભાન જેવી હાલતમાં મળ્યો, ત્યારે તેના અંતિમ શબ્દો હતા કે, ભાઈ મને છાતીમાં લાગી ગયું છે, બહુ દુખાવો થાય છે.

Advertisement

મૃતકના ભાઈએ આ મામલે યોગ્ય પોલીસ તપાસ થાય તેવી માગણી કરી છે, જેના પગલે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવક જયદીપના મૃતદેહને પેનલ પીએમમાં મોકલવામાં આવ્યો છે.મૃતક જયદીપ તેના પરિવારમાં માતા અને ભાઈ ભરતભાઈ સોસા સાથે રહેતો હતો. મૃતકના ભાઈ ભરતભાઈએ જણાવતા કહ્યું કે, ગઈકાલે સાંજે આશરે સાડા સાત વાગ્યે જયદીપે તેમને જમવા અંગે પૂછ્યું હતું. ત્યારબાદ જયદીપે કોઈ કામ જોવા જવાનું છે, એમ કહીને તે ઘરેથી નીકળ્યો હતો. રાત્રે લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ ભરતભાઈને કોઈક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો કે, તારો ભાઈ અહીંયા પડ્યો છે. આ ફોન આવતા જ ભરતભાઈ પોતાના મિત્રની બાઇક લઈને તાત્કાલિક સી.એલ. કોલેજ નજીક પહોંચ્યા.ઘટનાસ્થળે પહોંચીને ભરતભાઈએ જોયું કે તેમનો ભાઈ જયદીપ બેભાન જેવી હાલતમાં જમીન પર પડ્યો હતો.

ભરતભાઈએ જયદીપને ઉઠાડ્યો અને પૂછ્યું કે, તને શું થયું છે? જયદીપના અંતિમ શબ્દો હતા કે મને છાતીમાં લાગી ગયું છે, અને છાતીમાં બહુ દુખાવો થાય છે. ભરતભાઈ અને તેમના મિત્રએ તેને ગાડીમાં બેસાડી ઘરે લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જયદીપ ત્યાં ઘરમાં જ ઢળી પડ્યો. તરત જ 108ને બોલાવવામાં આવી અને તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.ભરતભાઈ સોસાએ પોતાના ભાઈના મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, તેમનો ભાઈ જ્યાં પડ્યો હતો, ત્યાં તે જગ્યા પર રોજ બે ચાર લોકો હોય છે. જોકે, જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે ત્યાં બીજું કોઈ હાજર નહોતું.ભરતભાઈએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું કે મારો ભાઈ જે રીતે પડ્યો હતો અને તેને છાતીમાં દુખાવો થતો હતો, તે જોતા કદાચ માથાકૂટ થઈ હોય અને એમાં તેને લાગી ગયું હોય એવું બની શકે છે. આથી, તેમણે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે યોગ્ય અને ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી મજબૂત માગ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement