પી.આઈ. સંજય પાદરિયા સામે તોળાતા સસ્પેન્શનના પગલાં
રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વકોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા ઉપર લગ્ન-પ્રસંગમાં થયેલા હુમલામાં જૂનાગઢ સોરઠ ચોકીના પી.આઈ. સંજય પાદરિયા સામે હત્યાની કોશિષ અંગેનો ગુનો નોંધાયા બાદ આ મામલે તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ આ મામલે જે રીતે ટુંકા ગાળામાં જ ગુનો નોંધાયો છે. તે જોઈને એ સ્પષ્ટ થાય છે કે હવે ટુંક સમયમાં જ પી.આઈ. પાદરિયા સામે સસ્પેન્શનના પગલા પણ લેવાય શકે છે આ મામલે આખરી નિર્ણય રાજ્યપોલીસ વડા વિકાસ સહાય દ્વારા લેવામાં આવશે.
કણકોટ નજીક લગ્ન-પ્રસંગે ગયેલા સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારાને તુ સમાજનો ગદ્દાર છો તેવું કહી ઝઘડો કરી જૂનાગઢ એસઆરપી રિજિયનના પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કર્યો હતો અને પિસ્તોલ જેવું હથિયાર માથામાં ઝીંકી દેતા જયંતિભાઈ સરધારા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલેપહોંચ્યા હતા. ગઈકાલે બનેલો આ બનાવ ચર્ચાના ચકડોળે ચડ્યો હતો. સરદાર ધામ અને ખોડલધામ વચ્ચેના વિવાદમાં હુમલાની ઘટનાથી ભારે ગરમાવો આવી ગયો છે.
જયંતિભાઈ સરધારા ઉપર થયેલા હુમલાના બનાવ બાદ ગણતરીના કલાકોમાં તાલુકા પોલીસે પીઆઈ સંજય પાદરિયા સામે ભારતીય ન્યાયસહિતાની કલમ 109 (1), 115 (2), 118 (1), 351 (3), 352 અને જીપીએક્ટ 135 (1) મુજબ ગુનો નોંધાયો છે.
પીઆઈ પાદરિયા સામે હત્યાની કોશીષની ફરિયાદ દાખલ કરી હોય તેમની ધરપકડ માટે તાલુકા પોલીસે તજવીજ હાથ ધરી છે અત્રે એવાત ઉલ્લેખનીય છે કે, જે રીતે પીઆઈ પાદરિયા સામે ગુનો નોંધાયો છે તે જોઈને એ સ્પષ્ટ થાય છે કે, આગામી દિવસોમાં પીઆઈ સંજય પાદરિયા સામે પોલીસ ખાતા તરફથી ખાતાકીય પગલા હેઠળ કાર્યવાહી કરી સસ્પેન્શન સુધીની કાર્યવાહી થઈ શકે છે આ મામલે રાજ્યપોલીસ વડા વિકાસ સહાયને રિપોર્ટ કરવામાં આવ્યો છે. એન આગામી દિવસોમાં પીઆઈ પાદરિયા સામે રાજ્યપોલીસ વડા સસ્પેન્શનનો રિપોર્ટ કરે તેવી શક્યતા છે.