આચારસંહિતા પૂર્વે બિલ્ડરના લાભાર્થે ગુપચુપ ડિમોલિશન
- સાધુવાસવાણી રોડ ઉપર 2019માં પીપીપી ધોરણે 13 કરોડમાં આપેલો પ્લોટ 300 કરોડનો થયો ત્યારે કોર્પોરેશનને પ્રેમ ઉભરાયો
- ચૂંટણીનો લાભ લઈ પાર્ટી ફંડનો ખેલ કે, અધિકારીઓને ‘લાભ’? મસમોટા કૌભાંડની ગંધ
શહેરના પ્રાઈમ લોકેશન સાધુવાસવાણી રોડ ઉપર આવેલ નટરાજનગર મફતિયાપરામાં વિસ્તારમાં ગઈકાલે બિલ્ડરના લાભાર્થે જગ્યા ખાલી કરાવવા 30 જેટલા મકાનો ઝુપડાનું ડિમોલીશન કરી જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. કોર્પોરેશનને આ જગ્યા મળવાની નથી ફક્ત બિલ્ડરોના લાભાર્થે ડિમોલીશન કાર્યવાહી હાથ ધરાતા મસમોટા કૌભાંડની બૂ ઉઠવા પામી છે. તેમજ આ ડિમોલીશન બાબતે મીડિયા સહિતનાને અંધારામાં રાખી તાત્કાલીક ધોરણે કાર્યવાહી હાથ ધરાતા આંચારસહિતા પહેલા આ કાર્યવાહી કોના લાભ માટે થઈ તે મુદ્દે પણ ભારે ચર્ચા જાગી છે.
સાધુવાસવાણી રોડ ઉપર નટરાજનગર મફતિયાપરા વિસ્તારમાં આવેલ અંદાજે 200થી 300 કરોડની 16,894 ચો.મી. જમીન બિલ્ડર માટે ખાલી કરાવવા ગઈકાલે તાબડતોબ ઝુપડા મકાનનું ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. આ જગ્યા 2019માં માત્ર 13.13 કરોડમાં પ્રિમીયમ લઈને ઝાયેશા રિયાલીટીઝ એન્ડ ઈન્ફાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લીમીટેડને આપી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં પીપીપી ધોરણે પ્રમીયમ ઉપરાંત 300 અસરગ્રસ્તોને ફ્લેટ બાંધી આપવાના હતાં તેમજ ત્યાં સુધી ભાડુ પણ ચુકવવાનું હતું જ્યારે ફ્લેટ અંદરની બાજુએ બનાવ્યા બાદ મેઈન રોડ ઉપર મોકાની જગ્યા ઉપર આશરે 10થી 12 હજાર ચો.મી. જમીન કે જેની કિંમત 200 કરોડથી પણ ઉપર થાય છે જેથી જમીનોના ભાવ 15 ગણા વધી જતા ભેદી રીતે તાત્કાલીક ધોરણે નિર્ણય લઈ કાર્યવાહી કરવામા આવી હતી.