સિવિલ હોસ્પિટલમાં કલેક્ટરની ટીમનું સરપ્રાઈઝ ચેકિંગ
- પૂરતી સારવાર નહીં મળતી હોવાની અને પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાની ફરિયાદો ઉઠતા તપાસ કરાઈ
રાજકોટની મધ્યમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી સારવાર લેવા આવતા દર્દીઓને પુરતી સારવાર નહીં મળતી હોવાની અને પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોવાની જિલ્લા કલેક્ટરને મળેલી ફરિયાદોના આધારે આજે જિલ્લા આરોગ્યની ટીમ સાથે સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવતા હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી.
રાજકોટની મધ્યમાં આવેલ દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી આવતા દર્દીઓને પુરતી સારવાર નહીં મળતી હોવાનું તેમજ સિવિલ હોસ્પિટલમાં રહેલા અદ્યતન સાધનો પણ બંધ હોવાની અનેક રજૂઆતો કલેક્ટર સુધી પહોંચી હતી.એટલું જ નહીં પરંતુ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોવાની ફરિયાદો મળી હતી.
સિવિલ હોસ્પિટલમાં આજે જિલ્લા કલેક્ટર પ્રભવજોશીના માર્ગદર્શન હેઠળ નિવાસી કલેક્ટર ચેતન ગાંધી સહિતનો કાફલો જિલ્લાપંચાયતની આરોગ્યની ટીમ સાથે સિવિલ હોસ્પિટલમાં ત્રાટક્યો હતો અને ઈમરજન્સી સહિતના તમામ વિભાગોનું સરપ્રાઈઝ ચેકીંગ કરાવમાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં કલેક્ટરની ટીમ ત્રાંટકતા હોસ્પિટલમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી.