સુરેન્દ્રનગર-વઢવાણ અને ચોટીલા તાલુકાને ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કરાયા
સુરેન્દ્રનગરમાં 63 શંકાસ્પદ કેસ, આરોગ્ય વિભાગની 131ટીમો કામે લગાડાઇ
વરસાદના વિરામ અને શિયાળાના આગમન ટાણે સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો વકર્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુના શંકાસ્પદ કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના થાન, વઢવાણ અને ચોટીલાને ડેન્ગ્યુગ્રસ્ત તાલુકા જાહેર કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં 63 જેટલા ડેન્ગ્યુના શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્યતંત્રમાં ભારે દોડધામ મચી છે.
હાલ આ તમામ દર્દીઓ સારવાર હેઠળ છે. ડેન્ગ્યુ ઉપરાંત અન્ય રોગથી બીમાર દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. એવામાં જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.ખાસ વાત એ છે કે, સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ થાન, વઢવાણ અને ચોટીલામાંથી સામે આવ્યા છે. જેના પગલે જિલ્લા આરોગ્ય તંત્રએ આ ત્રણેય તાલુકાને ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કર્યા છે. હાલ ડેન્ગ્યુના રોગચાળાને ફેલાતો અટકાવવા માટે જિલ્લામાં આરોગ્યની 131 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ ત્રણેય તાલુકામાં મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે ફોગીંગ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ડેન્ગ્યુના મચ્છરો સ્વચ્છ પાણીમાં ઉત્પત્તિ પામે છે. આરોગ્ય વિભાગ દ્વારા અન્ય ક્ધટેનરની વચ્ચે ઘરમાં પડેલા ટાયરમાંથી વરસાદી પાણીને દૂર કરવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદ બંધ થયો છે, ત્યારે રાજ્યના વિવિધ શહેરોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે.