સુરત ક્રિકેટ એસોસિએશને અંડર-19 ટીમમાં 25 વર્ષના બે ખેલાડી ઘુસાડી દીધા!
ગુજરાત ક્રિકેટ એસો.ની તપાસમાં ધડાકો, બંન્ને ખેલાડી સસ્પેન્ડ
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA) એક મોટા વિવાદમાં સપડાયું છે. એસોસિએશને અંડર-19 ટૂર્નામેન્ટ માટેની ટીમમાં નિયમોનો ભંગ કરીને 25 વર્ષની વયના બે ખેલાડીઓને સામેલ કર્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા જ્યારે આ ખેલાડીઓની ઉલટ તપાસ કરવામાં આવી, ત્યારે તેમની સાચી ઉંમર બહાર આવી હતી, જેનાથી સુરત ક્રિકેટ જગતમાં હડકંપ મચી ગયો છે.
GCA ની તપાસમાં આ ઉંમરની છેતરપિંડીનો પર્દાફાશ થતાં જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ બંને ખેલાડીઓને 2 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ક્રિકેટના નિયમો અનુસાર, અંડર-19 ટીમમાં 19 વર્ષથી વધુ વયના ખેલાડીને સામેલ કરી શકાય નહીં. આ ઘટનાથી એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે SDCA દ્વારા પોતાના માનીતાઓને સાચવવા માટે અને તેમને આગળ ધપાવવા માટે આખો ખેલ પાડવામાં આવ્યો હતો. આ પ્રકારની છેતરપિંડી યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ માટે અન્યાયકર્તા છે.
આ ઘટનાએ SDCA ની સમગ્ર કાર્યપ્રણાલી અને સિલેક્શન પ્રોસેસ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. એક જિલ્લા એસોસિએશન દ્વારા આટલા મોટા સ્તરે નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોય, તો તેની પાછળ કોનો હાથ છે, તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂૂરી છે. ક્રિકેટ જગત સાથે જોડાયેલા લોકો અને વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે માત્ર ખેલાડીઓ પર જ નહીં, પરંતુ આ સમગ્ર પ્રકરણમાં સામેલ SDCA ના જવાબદાર અધિકારીઓ સામે પણ કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવે. આ પ્રકારની છેતરપિંડીથી ગુજરાતના ક્રિકેટની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે.