બનાવટી દસ્તાવેજ કૌભાંડમાં એડવોકેટ કિશન ચાવડાની ધરપકડ સામે સુપ્રીમનો સ્ટે
રાજકોટ સ્થિત સબ રજીસ્ટ્રાર કચેરીના કર્મચારી અતુલભાઈ મધુભાઈ દેસાઈએ તા. 11/12/2024ન રોજ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં હર્ષ સોહેલીયા ઉર્ફે હર્ષ સોની, જયદીપ ઝાલા અને કિશન ચાવડાએ તા. 23/02/2023 થી તા. 18/05/2024 સુધીમાં 17 ખોટા બનાવટી દસ્તાવેજો ઊભા કરી કચેરીના કોમ્પપ્યુટરમાં રહેલા હસ્ત લેખિત દસ્તાવેજના સ્કેનિંગ રેકર્ડમાં ચડાવી મિલકત એક વ્યક્તિથી બીજી વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી સબ-રજીસ્ટ્રાર કચેરીના મૂળ દસ્તાવેજી રેકર્ડનો નાશ કરી નવો દસ્તાવેજ બનાવી મૂળ દસ્તાવેજની જગ્યાએ ફેર બદલ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈ.પી.સી. કલમ 420, 465, 467, 468, 471, 477, 447, 120(બી), 34 મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તા.24/10/2024 ના રોજ મામલતદાર, પશ્ચિમના ઈ-ધરામા ફાઈલમા તા. 22/10/2024 નું પ્રકરણ મોજે ગામ રૈયાના સર્વે નં. 277/1 ના પ્લોટ નં. 42 ના ગામ નમુના નં.2માં દાખલ કરવામાં આવેલી નોંધ રદ્દ કરવાના કામે અરજી મળેલી હતી જેમાં અસલ દસ્તાવેજ નં. 1305/1972 ની ખરાઈ કરવા જણાવેલ જે અંતર્ગત કચેરીના કોમ્પ્યુટરમાં સ્કેનીંગ થયેલ હસ્ત લેખિત રેકર્ડમાંથી ખરાઈ કરતા સાથે આવેલ દસ્તાવેજોની નકલ સરખાવતા, બન્ને દસ્તાવેજમાં વિસંગતતા ધ્યાનમાં આવેલ અને વધુ ખરાઈ કરતા રાજકોટ શહેરની કિંમતી કરોડો રૂૂપિયાની અલગ અલગ મિલકતના દસ્તાવેજોમાં વિસંગતતા જોવા મળેલી અને તેમાં મૂળ દસ્તાવેજમાં નામ છે તેનાથી અલગ નામો જોવા મળતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. જે કેસમાં પ્ર.નગર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. એડવોકેટ કિશન ચાવડાની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં નામંજુર થતા એડવોકેટ કિશન ચાવડાએ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપીનો રોલ, દસ્તાવેજી પુરાવાઓ વિગેરેની હકીકતો ધ્યાને લઈ આરોપીએ પોલીસ તપાસમાં હાજર રહી સાથ-સહકાર આપવાની શરત સાથે ધરપકડ સામે મનાઈ હુકમ ફરમાવ્યો છે. અને વધુ સુનાવણી તા.14/05/2025 ના રોજ હાથ ધરવામાં આવશે. આ કેસમાં એડવોકેટ કિશન ચાવડા વતી સુપ્રીમ કોર્ટના સીનીયર કાઉન્સિલ પુર્વીશભાઈ મલ્કાણ, રાજકોટના પી. એમ. શાહ લો ફર્મના એડ્વોકેટ પીયષુભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિવિદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરીયા, હર્ષિલભાઈ શાહ, જીતેન્દ્રભાઈ ધૂળકોટીયા, વિજયભાઈ પટગીર, ચિરાગભાઈ શાહ, આસિસ્ટન્ટ તરીકે રવિરાજભાઇ વાળા, ઋત્વીક્ભાઈ વઘાસીયા અને સંજયભાઈ મેરાણી રોકાયા હતાં.