શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં શાળા સંચાલક મંડળનું પરડવા સહિતના ઉમેદવારોને સમર્થન
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી ચૂંટણી માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અલગ અલગ ઉમેદવારોને ટેકો જાહેર કરી દીધો છે. પરંતુ બોર્ડના વર્તમાન સભ્ય પ્રિયવદન કોરાટે અગાઉ ફોર્મ ભરી દીધું હોવા છતાં તેને ટેકો જાહેર કરાયેલ નથી.
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ સાડા નવ હજાર સ્કૂલોના સમર્થન અને સભ્ય સાથે રચાયેલા આ મંડળ ખૂબ સક્રિયતાથી સરકાર અને શિક્ષણમાં કાર્ય કરી રહયું છે. ત્યારે તાજેતરમાં યોજાનારી માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં મહામંડળ ખૂબ સક્રિયતાથી ચૂંટણી લડવા તત્પર છે અને એમને ગુજરાત રાજયના 32 જિલ્લાઓનું સમર્થન છે. મહામંડળની છેલ્લી કારોબારીમાં નક્કી થયા મુજબ પાર્લામેન્ટ્રી બોર્ડની રચના થયેલી આ પાર્લામેન્ટરી બોર્ડમાં મહા મંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાના અધ્યક્ષ સ્થાને માધ્યમિક શિક્ષણ બોર્ડની ચુંટણી લડવા ઠરાવ થયો હતો.
આ ઠરાવ મુજબ વાલી સંવર્ગમાંથી શનિવારે સુરતથી આનંદભાઈ જીંજાળાએ ફોર્મ ભરેલ હતું અને આજ રોજ ગાંધીનગર ખાતે વોર્ડ ઓફિસે જીલ્લાના પ્રતિનિધિઓ, મહામંડળના મુખ્ય હોદ્દેદ્દારોની હાજરીમાં આ ચૂંટણીમાં સંચાલક સંવર્ગમાં રાજકોટથી મેહુલભાઈ પરડવા, સુરતથી ડોકટર દિપકભાઈ રાજયગુરુ અને વાલી સંવર્ગમાંથી અમદાવાદથી હાર્દિકભાઈ ક્રાંતિભાઈ પટેલે ફોર્મ ભર્યુ છે તેમને મહામંડળનું સમર્થન છે. આ રીતે ગુજરાત રાજયનું એક માત્ર સક્ષમ સ્વ નિર્ભર શાળા સંચાલક મહામંડળ આ ચૂંટણી લડી રહયું છે એમ મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાની યાદીમાં જણાવેલ છે.