ગોકુલનગરમાં રેશનિંગનો જથ્થો બારોબાર વેચી નાખનાર વેપારીની દુકાનમાં પુરવઠા તંત્ર ત્રાટક્યું
રાજકોટના ગોકુલનગર વિસ્તારમાં આવેલ રેશનીંગની દુકાનમાંથી સસ્તા અનાજનો જથ્થો વેપારી દ્વારા બારોબાર વેચી નાખવામાં આવતો હોય તાજેતરમાં જ ખાનગી ન્યુઝ ચેનલ દ્વારા સ્ટ્રીંગ ઓપરેશન કરી રેશનીંગનો જથ્થો ભરેલી રીક્ષા ઝડપી લીધી હતી. જેની જાણ પુરવઠાને કરવામાં આવી હતી. પરંતુ દુકાનદાર દુકાન બંધ કરી ભુગર્ભમાં ઉતરી ગયો હતો. દરમિયાન આજે પૂરવઠા વિભાગે રેશનીંગની દુકાનમાં દરોડો પાડી ઘઉં, ચોખા, ખાંડ, મીઠુનો જથ્થો સીઝ કરી વેપારીને કારણદર્શક નોટીસ ઈસ્યુ કરવામાં આવી છે.
રાજકોટના ગોકુલનગર વિસ્તારમાં આવેલ ગોપાલભાઈ મનસુખભાઈ અમૃતિયાની વ્યાજબીભાવની દુકાનમાંથી સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચી નાખવામાં આવતો હોય આ કૌભાંડનો ગત રવિવારે ખાનગી ન્યુઝ ચેનલ દ્વારા સ્ટ્રીંગ ઓપરેશન કરી પર્દાફાશ કર્યો હતો. આ વખતે સસ્તા અનાજના વેપારીએ પૂરવઠા અને મહેસુલ વિભાગના અમુક કર્મચારીઓના પણ પૈસાનો આક્ષેપ કરી વેપારી ભુગર્ભમાં ઉતરી ગયો હતો.
બીજી બાજુ સસ્તાઅનાજનો જથ્થો બારોબાર વેચી નાખનાર વેપારીની દુકાનમાં પુરવઠા ઈન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ તપાસ કરવા ગયો હતો. પંરતુ દુકાન સતત બંધ જોવા મળી હતી.
આજે દુકાનદારને સાથે રાખી પુરવઠા ઈન્સ્પેક્ટર દ્વારા રેશનીંગની દુકાનમાં સર્ચ ઓપરેશન કરતા 3000 કિલો ઘંઉ, 4050 કિલો ચોખા, 200 કિલો ખાંડ અને 225 કિલો મીઠાનો જથ્થો મળી આવ્યો હતો. જે સીઝ કરવામાં આવ્યો છે.
સસ્તા અનાજના વેપારી પાસે 346 એપીએમ કાર્ડ, 76 બીપીએલ કાર્ડ, 72 અંત્યોદય કાર્ડ મળી કુલ 494 રેશન કાર્ડ ધરાવે છે. જ્યારે વેપારીને જે સસ્તા અનાજનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો. જેમાં મોટી ઘટ જોવા મળી હતી.
જેમાં ઘઉં, 1239.50 કિલો, ચોખા 2445 કિલો ખાંડ 42 કિલોની ઘટ જોવા મળી હતી. આ અંગે વેપારીને કારણ દર્શક નોટીસ ઈસ્યુ કરી સસ્તા અનાજનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે.