ખાનગી મિલ-FCIના ગોડાઉનોમાં ઓચિંતું ચેકિંગ કરતા પૂરવઠામંત્રી
ઘઉં-ચોખાના સ્ટોક અને ગુણવત્તાની કરેલી ચકાસણી, સ્ટાફમાં દોડધામ
રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે રાજકોટ ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉન તથા રાજ્ય પૂરવઠા નિગમના સરકારી ગોડાઉન અને ગોંડલ ખાતે બાલાજી મીલ, અક્ષર મીલ ને શ્રીયા મીલની ઓચિંતી મુલાકાત લીધી હતી. મંત્રીએ બંને ગોડાઉનમાં સ્ટોક, અનાજની ગુણવત્તા, પરિવહન સહિતની વિગતો જાણીને સમીક્ષા કરી હતી. આ તકે મંત્રીએ જન્માષ્ટમીના તહેવારો પર સરકારી અનાજ-તેલના જથ્થાનું રાશનકાર્ડ ધારકોને સમયસર વિતરણ થાય તે જોવા સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપી હતી.
મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સવારમાં જ રાજકોટમાં જામનગર રોડ પર ઘંટેશ્વરમાં કોર્ટ પાસે આવેલા ફૂડ કોર્પોરેશનના ગોડાઉન ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે વિવિધ ગોડાઉનોમાં જઈને ગોડાઉનમાં અનાજના સંગ્રહની સ્થિતિ, ઘઉં-ચોખાની ગુણવત્તા, સ્ટોકની સ્થિતિ વગેરેની જાણકારી મેળવી હતી. આ સાથે અનાજના જથ્થાનું પરિવહન તેમજ નિયમન કઈ રીતે થાય છે, તે પણ જાણ્યું હતું. આ તકે એફ.સી.આઈ.ના ઈન્ચાર્જ ડિવિઝન મેનેજર નિલેશ સાંગાણી, ક્વોલિટી કંટ્રોલ મેનેજર એસ.ટી. પાટડિયા તથા પાન પાટીલ સાથે રહ્યા હતા. મંત્રીએ આ તકે અનાજના જથ્થાની જાળવણી સહિતના મુદ્દે ઉપયોગી સૂચનો કર્યા હતા.
બાદમાં મંત્રી કુંવરજીભાઈ જંક્શન પાસે આવેલા રાજ્ય પૂરવઠા નિગમના ગોડાઉનની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ઘઉં, ચોખા, ચણા તેમજ તેલના ગોડાઉનનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે એફ.સી.આઈ.ના ગોડાઉનથી આવેલો જથ્થો કઈ સ્થિતિમાં સાચવવામાં આવે છે, તેનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમજ ચણા-તેલના જથ્થાની ગુણવત્તાના માપન વિશે જાણકારી મેળવી હતી. મંત્રીએ અનાજ-ચોખા-ચણાના નમૂનાની આકસ્મિક તપાસ પણ કરી હતી.
આગામી દિવસોમાં રક્ષાબંધન, જન્માષ્ટમીના તહેવાર આવી રહ્યા છે, ત્યારે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ તહેવારો પર અનાજ-તેલ વગેરે રાશનનું વિતરણ આગોતરું તેમજ સમયસર થાય તે જોવા ખાસ સૂચના આપી હતી. આ સાથે રાશનકાર્ડ ધારકોને અનાજ-રાશનનો જથ્થો દર મહિને નિયમિત રીતે મળે તે જોવા પણ ખાસ સૂચના આપી હતી. આ તકે જિલ્લા પૂરવઠા અધિકારી રાજ વંગવાણી, પૂરવઠા વિભાગનો સ્ટાફ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.