શિક્ષણ બોર્ડના 1.95 લાખ છાત્રોની તા.23 જૂનથી પૂરક પરીક્ષાનો પ્રારંભ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12 (વિજ્ઞાન પ્રવાહ- સામાન્ય પ્રવાહ)ની પૂરક પરીક્ષા આગામી તા.23 જુનથી લેવામાં આવનાર છે. આ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલ છે.જોકે ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે આ પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થવા પામેલ છે. ચાલુ વર્ષે 1.95 લાખ વિદ્યાર્થીઓ આ કસોટીમાં બેસનાર છે. આ પરીક્ષામાં ધો.10 અને 12 (સા. અને વિ. પ્રવાહના) ગમે તેટલા વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આ કસોટી આપી શકશે. તા.23 જુનથી 3 જુલાઈ દરમ્યાન આ પરીક્ષા લેવામાં આવનાર છે. આ અંગેની તૈયારીઓ શિક્ષણ બોર્ડ દ્વારા આરંભી દેવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી માર્ચ 2025 દરમ્યાન લેવાયેલી ધો.10 અને પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવેલ હતું. જેમા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ તેમજ જે વિદ્યાર્થીઓ પરિણામ સુધારવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ આ પૂરક પરીક્ષામાં બેસી શકશે.
શિક્ષણ બોર્ડની જાહેરાત બાદ આ પરીક્ષામાં બેસવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી હતી જેમાં 1.95 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં બેસવા માટે ઓનલાઈન ફોર્મ ભરી રજી. કરાવેલ છે. જે બાદ હવે શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.23 જુનથી લેવાનાર આ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલ છે. આ પૂરક પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણ લેવાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.