બોર્ડ દ્વારા સોમવારથી પૂરક પરીક્ષા, રાજકોટ જિલ્લામાં 12947 વિદ્યાર્થીઓ નોંધાયા
શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લામાં પ્રશ્ર્નપત્ર અને ઉત્તરવહીઓ મોકલી દેવાઇ: સ્ટ્રોંગરૂમમાં સીલ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ માસમાં લેવામાં આવેલી પરીક્ષામાં નાપાસ થયેલા, ગેરહાજર રહેલા અને પોતાના પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે તારીખ 23 થી પૂરક પરીક્ષાઓ શરૂૂ થઈ રહી છે. સોમવારથી શરૂૂ થતી આ પરીક્ષા તારીખ 3 જુલાઈ સુધી ચાલશે અને ત્યાર પછી પરિણામ જાહેર કરવામાં આવશે. રાજકોટ શહેર જિલ્લાના 12,947 સહિત સમગ્ર રાજ્યના એકાદ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. પરીક્ષા અનુસંધાને બોર્ડ દ્વારા થોડા દિવસો પહેલા હેલ્પ સેન્ટર શરૂૂ કરી દેવાયું છે અને આજથી તમામ જિલ્લા મથકોએ કંટ્રોલ રૂૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. રાજકોટ ખાતે આવો કંટ્રોલરૂૂમ કરણસિંહજી હાઇસ્કુલમાં રાખવામાં આવ્યો છે.
સોમવારથી પરીક્ષા શરૂૂ થતી હોવાથી અને ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી બોર્ડે આગોતરા આયોજનના ભાગરૂૂપે તમામ જિલ્લા મથકોએ પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓ મોકલી દીધી છે અને તે કંટ્રોલરૂૂમમાં રાખીને પોલીસનો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.સોમવારે સવારે 10:00 થી બપોરના 1-15 વાગ્યા સુધી ધોરણ 10 માં ગુજરાતી હિન્દી મરાઠી અંગ્રેજી અને ઉર્દુ સહિતની જુદી જુદી લેંગ્વેજના પ્રથમ ભાષાના પેપર રાખવામાં આવ્યા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બપોરે ત્રણ થી સાડા છ પહેલું પેપર ભૌતિક વિજ્ઞાનનું રાખવામાં આવ્યું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સવારે 10- 30 થી બપોરે 1:45 વાગ્યા દરમ્યાન આંકડાશાસ્ત્રનું અને બપોર પછીના સત્રમાં એટલે કે ત્રણથી 6-15 વાગ્યામાં ભૂગોળનું પેપર રાખવામાં આવ્યું છે. પરીક્ષા શરૂૂ થયાના સમયથી પ્રથમ 15 મિનિટ વિદ્યાર્થીઓને પેપર વાંચવા માટે આપવામાં આવશે. માત્ર જિલ્લા કક્ષાના કેન્દ્રમાં જ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર આસપાસના વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ પ્રકારની ખલેલ ન પહોંચે તે માટે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. અન્ય પરીક્ષાઓમાં આગલા દિવસે સીટીંગ એરેન્જમેન્ટ જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પરંતુ પૂરક પરીક્ષામાં આવી કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે વિદ્યાર્થીઓને પહેલા દિવસે પરીક્ષા શરૂૂ થવાના સમય અગાઉ અડધો કલાક પહેલા પહોંચી જવા માટે જણાવાયું છે.