સુરતમાં બરફની ફેકટરી નજીક અચાનક આગ, 3 મહિલા ગંભીર
સુરતની સચિન GIDC વિસ્તારમાં આજે મંગળવારે સવારે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. GIDC માં આવેલી બરફની ફેક્ટરી નજીક અચાનક ફ્લેશ ફાયર (ક્ષણિક આગ) થતાં આસપાસ કામ કરી રહેલી ત્રણ મહિલાઓ ગંભીર રીતે દાઝી ગઈ હતી. આ બનાવને પગલે વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ થતા જ સચિન ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
જોકે, આ દરમિયાન ત્રણેય મહિલાઓ ગંભીર રીતે દાઝી ચૂકી હતી. દાઝેલી મહિલાઓને સમયસર સારવાર મળી રહે તે માટે તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ત્રણેય મહિલાઓની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને સઘન સારવાર હેઠળ રાખવામાં આવી છે.
આ ગંભીર દુર્ઘટના કયા કારણોસર બની તે જાણવા માટે પોલીસ વિભાગ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત તપાસ શરૂૂ કરવામાં આવી છે. ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં ફ્લેશ ફાયર થવા પાછળનું ચોક્કસ કારણ, જેમ કે શોર્ટ સર્કિટ, કેમિકલ રિએક્શન અથવા અન્ય કોઈ બેદરકારી છે કે કેમ, તે અંગેની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.