'સુદર્શન સેતુ' દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પ્રતિક: જિલ્લાની યશ કલગીમાં એક મોરપીંછ સમાન આઈકોનિક સ્થળ
02:57 PM Oct 11, 2024 IST | Bhumika
Advertisement
- રૂ. એક હજાર કરોડના ખર્ચે બનેલ સુદર્શન સેતુ થકી પ્રવાસનને વેગ -
આશરે દોઢ દાયકા પહેલા દેશના આર્થિક પાટનગર એવા મુંબઈમાં બાન્દ્રા-વર્લી સી-લિંક કેબલ બ્રિજ ચાલુ થયો ત્યારે આવો કેબલ બ્રિજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બને તેવો કોઈને સપને પણ વિચાર ન હોય. પરંતુ શ્રી કૃષ્ણના સાંનિધ્યથી પાવન એવી આ ભૂમિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા આ બ્રિજ કે જે શ્રદ્ધાના કેન્દ્ર એવા બેટ દ્વારકા ટાપુને ઓખાની અને ગુજરાતની મુખ્ય ભુમિ સાથે જોડે.ચારધામ પૈકીના એક એવું જગત મંદિર દ્વારકામાં આવેલું છે. જેના દર્શન આવતાં દેશ વિદેશના શ્રદ્ધાળુઓને બેટ દ્વારકા પર આવેલા કેશવરાયજી મંદિર અને હનુમાન દંડી જેવા ઐતિહાસિક મહત્વ ધરાવતા મંદિરોના દર્શન કરવા માટે ફેરીબોટ પર નિર્ભર રહેવું પડતું હતું અને ઘણો સમય પણ લાગતો હતો. આ નિર્ભરતા દુર થાય અને બેટ દ્વારકા ટાપુને મુખ્ય ભુમિ સાથે જોડે તેવો બ્રિજ બને તે વડાપ્રધાનનું વિઝન હતું. આ માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન તત્કાલીન યુ.પી.એ.ની કેન્દ્ર સરકાર પાસે પ્રસ્તાવ પણ મૂક્યો હતો. સુદર્શન સેતુના આ વિઝનને સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 2016 માં સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. 2017 માં ઓખાથી બેટ દ્વારકા સુધીના આ બ્રિજનું નિર્માણકાર્ય શરૂ થયું અને 2024 માં દેશના સૌથી લાંબા કેબલ બ્રિજનું વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થયું. આ પુલ એક માત્ર સુવિધા જ નહિં, પરંતુ એન્જીનીયરીંગની કમાલ પણ કહી શકાય. દ્વારકાધીશના દર્શનને સરળ બનાવતો આ સેતુ દ્વારકા નગરીની દિવ્યતામાં ચાર ચાંદ લગાવે છે.આ વચ્ચે ઉલ્લેખનીય છે કે બાન્દ્રા-વર્લી સી-લિંક કેબલ બ્રિજથી આ બ્રિજ લાંબો છે. વળી આ બ્રિજમાં ફુટપાથ, સાઈકલ રસ્તો, ગોલ્ફ કારનો રસ્તો પણ છે. સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં એક મોરપીંછ ઉમેરાયું છે. પ્રવાસનના વિકાસ થકી બેટ-દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થતાં ગરીબ તથા મધ્યમ વર્ગ માટે આર્થિક ઉન્નતિનો માર્ગ મોકળો બન્યો છે. સુદર્શન સેતુને કારણે ભાવિકોનો સમય બચવા સાથે સુવિધાઓમાં પણ વધારો થયો છે. સુદર્શન સેતુની લંબાઈ 2.32 કીલોમીટર છે. જેમાં 900 મીટર કેબલ સ્ટેયડ ભાગ છે. બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર 20×12 મીટરના 4 મોરપંખ આકારવામાં આવ્યા છે. ઓખા તરફ 370 મીટર લંબાઈનો એપ્રોચ બ્રિજ, બેટ તરફ 650 મીટર એપ્રોચ બ્રિજ છે. બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે. આ ચાર માર્ગીય બ્રીજની પહોળાઈ 27.2 મીટર છે. જેમાં બન્ને બાજુ 2.50 મીટરના ફૂટપાથ છે. ફુટપાથની બાજુ પર કોતરણી કામ કરી ભગવદગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રીકૃષ્ણની છબીઓ દર્શાવવામાં આવી છે.ફૂટપાથ ઉપર લગાવેલી સોલાર પેનલની એક મેગાવોટની વિજળી ઉત્પાદન ક્ષમતા છે, જેનો ઉપયોગ બ્રિજના લાઇટીંગમાં થાય છે. બ્રિજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેને નિહાળવા હવે પ્રવાસીઓની સંખ્યા પણ દિવસે દિવસે આ વિસ્તારમાં વધી રહી છે.
Advertisement