પ્રતિબંધની ઐસીતૈસી, CP બંગલા નજીક જ જાહેરનામાનો ઉલાળિયો
- બહુમાળી ભવન ચોકમાં છેલબટાઉ યુવાનોએ જાહેરમાં વાહનો પર, પસાર થતા લોકો પર ધરાર રંગ ઉડાડ્યો: યુવતીઓની છેડતી કરી : પોલીસે મૂકપ્રેક્ષક બની તમાસો જોયો
હોળી-ધૂળેટીનો તહેવાર આનંદ અને ઉત્હનો તહેવાર છે. પરંતુ અમુક છેલબટાઉ યુવાનોએ જાણે શહેરમાં કોઈ જ કાયદો અસ્થિત્વમાં ન હોય તે રીતે વરતી પોલીસ તંત્રના આદેશનો સરાજાહેર ઉલ્લાળિયો કર્યો હતો. પોલીસ કમિશનર દ્વારા રાજકોટ શહેરમાં સરાજાહેર રંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં પણ પ્રતિબંધની ઐસીતૈસી કરી અમુક ટીખળીઓ દ્વારા પોલીસ કમિશનરના બંગલા પાસે જ જાહેરનામાનો સરાજાહેર ઉલાળિયો કરી રસ્તે પસાર થતા વાહન ચાલકો પર બેફામ રંગ ઉડાડ્યો હતો. એટલું જ નહીં પરંતુ એક્ટિવામાં પસાર થતી યુવતિઓની પણ છેડતી કરી હતી અને પોલીસ તંત્રએ આ તમાશો મુકપ્રેક્ષકની માફક નિહાળ્યો હતો.
રાજકોટ શહેરમાં હોળી-ધૂળેટી પર્વની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે. શહેરની તાસીર મુજબ પહેલી ધૂળેટી એવી ગઈ છે કે, જેમાં ખુનની ઘટના બની નથી પરંતુ અમુક છેલબટાઉ યુવાનો દ્વારા શહેરમાં જાણે કોઈ જ કાયદો અસ્તિત્વમાં ન હોય તેમ શહેરના રાજમાર્ગો ઉપર બેફામ બની પોલીસ તંત્રના જાહેરનામાનો સરાજાહેર ઉલાળિયો કર્યો હતો.
પોલીસ કમિશનરના બંગલાથી 100 મીટર દૂર અને પોલીસ કંટ્રોલરૂમથી પણ 100 મીટર દૂર બહુમાળી ભવન ચોકમાં બપોરે અમુક છેલબટાઉ યુવાનો બેફામ બન્યા હતાં. હાથમાં રંગની કોથળિયો લઈ રસ્તે પસાર થતાં વાહન ચાલકો પર બેફામ રંગ ઉડાડ્યા હતાં. જેના કારણે અનેક વાહન ચાલકો પડતા પડતા રહી ગાય હતાં. અમુક વાહનચાલકોની આંખમાં રંગ ઉડાડ્યો હતો.
બેફામ બનેલી ટોળકીએ એક્ટિવા પર પસાર થતી યુવતિઓને પણ છોડી ન હતી અને તેમના પર રંગ ઉડાડી છેડતીઓ કરી લીધી હતી. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. એક કલાક સુધી આ છેલબટાઉ યુવાનોએ સરાજાહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ઉલાળિયો કરી પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો હતો પરંતુ પોલીસે આવા યુવાનો સામે પગલા લેવાના બદલે આંખ આડા કાન કર્યા હતાં.
રાજકોટમાં કાલાવડ રોડ, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ સહિતના રાજમાર્ગો પર પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી. ઠેર ઠેર ચોકે-ચોકે પોલીસનો બંદોબસ્ત હતો પરંતુ બાઈકર્સગેંગ સામે પગલા લેવાના બદલે પોલીસે મુકપ્રેક્ષક બની માત્ર તમાશો જોયો હતો.