સિવિલના સર્જીકલ વિભાગમાં નિરાધાર દર્દીના સડેલા પગની સફળ સર્જરી કરાઇ
આ જગત વિશાળ છે, જ્યાં મોટાભાગના લોકો પોતાના પરિવાર સાથે સુખ-દુ:ખ વહેંચી જીવન જીવે છે. પરંતુ કેટલાક એવા પણ હોય છે, જેઓ ભાગ્યવશ એકલવાયા બની જાય છે. એવા જ એક દર્દી ઘનશ્યામભાઈ રૂૂપસિંગભાઈ પરમાર તાજેતરમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા, જ્યાં હોસ્પિટલ સ્ટાફે તેમને પરિવાર સમાન સહારો પૂરો પાડી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું.
મળતી માહિતી મુજબ, ઘનશ્યામભાઈને ચોમાસાના દિવસોમાં વરસાદના કારણે પગમાં ગંભીર ઈજા થવા પામી હતી અને પગ સડી જવાના કારણે સારવાર જરૂૂરી બની હતી. તેઓ લક્ષ્મીનગરથી 108 એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલના હેલ્પ ડેસ્ક સ્ટાફે તાત્કાલિક તેમને સહાયતા કરી, કેસ તૈયાર કર્યો અને સર્જીકલ વિભાગમાં દાખલ કરાવ્યા. સારવાર દરમિયાન સ્ટાફે તેમની સંભાળ પોતાના સગા સમાન રાખી.
સારવાર પૂર્ણ થતાં ઘનશ્યામભાઈને તેમના મૂળ સરનામે એમ્બ્યુલન્સ મારફતે પરત મોકલવામાં આવ્યા. ડિસ્ચાર્જ સમયે ઘનશ્યામભાઈએ રાજકોટ સિવિલ હોસ્પિટલના ના સુપ્રીટેડન્ટ ડો મોનાલી માકડીયા તેમજ આર એમ ઓ અને હેલ્પ ડેસ્ક ના આસી નોડલ ઓફિસર ડો. હર્ષદ દૂસરા એચ આર મેનેજર, ભાવનાબેન સોની , સર્જરી વિભાગના HOD ડો. ઈલિયાસ જુણેજા, રેસીડેન્ટ ડો. રોનિત, નર્સ ઇન્ચાર્જ ચંપાબેન રૈયાણી તથા અન્ય તમામ સ્ટાફ મેમ્બર્સનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
આ ઘટના એ સાબિત કરે છે કે સાચી સેવા એ જ છે, જ્યારે અજાણ્યા દર્દીને પણ પોતાના પરિવાર સમાન માનવામાં આવે. રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફે દર્શાવેલી આ માનવતા ખરેખર પ્રશંસનીય છે.