પોરબંદર જિલ્લામાં ભારે વરસાદમાં ફસાયેલા 45 વિદ્યાર્થી સહિત 120 લોકોનું સફળ રેસ્કયુ
પોરબંદર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને લઈને 32 વિવિધ રસ્તાઓ પર પાણીના પ્રવાહ વધવાને કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે ત્યારે રાણાવાવ તાલુકાની ભોરાસર સીમ શાળાએ જતાં વચ્ચે રસ્તામાં પુલ પરથી પાણીનો પ્રવાહ વધવાથી પરત ફરી ન શકવાને કારણે સ્કૂલ ખાતે 45 વિદ્યાર્થી અને 4 શિક્ષક ફસાયા હતાં.વહીવટી તંત્રને જાણ થતાં તુરંત એનડીઆરએફની ટીમ રવાના કરવામાં આવી હતી અને એનડીઆરએફની ટીમ મદદથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સલામત રીતે રસ્તો પસાર કરાવાયો હતો અને વિદ્યાર્થીઓને પોતાના ઘરે સહીસલામત પહોંચાડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભોરાસર સિમશાળાએ જતા વચ્ચે રસ્તામાં પાણીનો પ્રવાહ વધવાને કારણે બાળકો સિમશાળા ખાતેથી ઘરે પરત ફરી શકે તેમ ન હતા સ્કુલ ખાતે ફસાયાની જાણ થતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનોદ પરમાર, પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, રાણાવાવ પોલીસના અધિકારીઓ અને ડીપીઓ ગૌતમભાઈ વાળા ડિઝાસ્ટરની ટીમ સાથે પહોંચ્યા હતાં અને બાળકોને સલામત રીતે રસ્તાને પાર કરાવ્યો હતો. પોરબંદર શહેરમાંથી પાણી ભરાતા નીચાણવાળા વિવિધ વિસ્તારોમાંથી વહીવટી તંત્ર દ્વારા 120 લોકોને શેલ્ટર હાઉસમાં સ્થળાંતરિત કરવામા આવ્યા છે. જ્યાં તેમને માટે જમવા, રહેવા, પાણી સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જ્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ખાપટ કુબા અને બોખીરા રામદેવપીર બાપાના દુવારા પાછળનાં વિસ્તારમાંથી કુલ 104 લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ છે જેમાંથી બોખીરા પે સેન્ટર શાળા ખાતે 50 અને ખાપટ પે સેન્ટર શાળા ખાતે 54 લોકોને સ્થળાંતરિત કરી જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, આ ઉપરાંત બોખીરા ક્ધયા શાળા, મહેર સમાજ પાસે પ્રકાશભાઈ જોષીના પરિવારના પાણીમાં ફસાયેલ 6 સભ્યને મનપા ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.
પોરબંદરમાં વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે રોકડિયા હનુમાન મંદિરની સામેની ગલી માંથી ફાયર બ્રિગેડ ટીમ દ્વારા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેમજ પારસનગર માંથી પણ ફાયર બ્રિગેડ ટીમ દ્વારા એક દર્દીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.