ધો.12ની પૂરક પરીક્ષાના ફોર્મ છાત્રો આવતીકાલ સુધી સબમીટ કરી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12ની પૂરક પરીક્ષા માટે આવેદનપત્રો ભરવાની મુદતમાં વધારો કર્યો હોવાનું જાણવા મળે છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે હજુ ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાના લીધે હવે 21 મે સુધી ફોર્મ સ્વીકારવાનું નક્કી કરાયું છે. આમ, હવે 21મી સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
પૂરક પરીક્ષા માટેના આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઈન ભરવાના રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા અને ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. આવેદનપત્ર રૂૂબરૂૂ કે ટપાલ દ્વારા સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી. જેથી વિદ્યાર્થીઓની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી. પરીક્ષાનું ઓનલાઇન આવેદન કરવાની તથા ફી ભરવાની કામગીરી કરવા માટેની અંતિમ તારીખ 19 મે સુધી નક્કી કરવામાં આવી હતી, પરંતુ હજુ ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાનું જણાતા બોર્ડ દ્વારા મુદત વધારવામાં આવી છે. જે અનુસાર હવે 21 મે સુધી પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.