ધો.11 અને 12ના વિદ્યાર્થીઓ ચિત્રકલા, યોગ અને સંસ્કૃત વિષય વિકલ્પમાં રાખી શકશે
ધો.11માં 2026-27 અને ધો.12માં 2027-28માં અમલવારી કરવા નિર્ણય
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 11 અને 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને દૂરંદેશી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, હવે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમમાં વૈકલ્પિક વિષયો પસંદ કરવાની તક મળશે. આ પગલું વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેમની રુચિને પ્રોત્સાહન આપવા માટે લેવાયું છે.
શિક્ષણ વિભાગે પ્રારંભિક તબક્કે જે વિષયોનો વૈકલ્પિક વિષય તરીકે સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે તેમાં મુખ્યત્વે કલા, સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય સંબંધિત વિષયોનો સમાવેશ થાય છે. આ વિષયો નીચે મુજબ છે: ચિત્રકલા, સંગીત અને યોગ આ વિષયોના સમાવેશથી વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક વિષયો પૂરતું સીમિત ન રહેતાં, તેમની સર્જનાત્મકતા, શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વિકસાવવાની તક મળશે.
આ નિર્ણયનો અમલ તબક્કાવાર રીતે કરવામાં આવશે, ધોરણ 11 માં આ વૈકલ્પિક વિષયનો સમાવેશ 2026-27માં થશે. જ્યારે ધોરણ 12માં આ વિષયોનો વૈકલ્પિક વિષય તરીકે 2027-28માં સમાવેશ થશે. આ પ્રમાણે, જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2026-27માં ધોરણ 11માં પ્રવેશ મેળવશે, તેઓ આ નવા વૈકલ્પિક વિષયોનો અભ્યાસ શરૂૂ કરી શકશે અને ત્યારબાદ 2027-28માં ધોરણ 12માં પણ આ જ વિષયોને વૈકલ્પિક વિષય તરીકે ચાલુ રાખી શકશે.
આ નિર્ણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મૂળભૂત સિદ્ધાંતોને અનુરૂૂપ છે, જે શિક્ષણને વધુ લવચીક અને વિદ્યાર્થી-કેન્દ્રિત બનાવવાની હિમાયત કરે છે. વિદ્યાર્થીઓ તેમની રસ-રુચિ અને કૌશલ્યને આધારે વિષય પસંદ કરી શકશે, જેનાથી તેમનો અભ્યાસ પ્રત્યેનો ઉત્સાહ વધશે. ચિત્રકલા અને સંગીત જેવા વિષયો સર્જનાત્મકતાને પોષશે, જ્યારે યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવશે. કલા અને યોગના ક્ષેત્રમાં પણ હવે વ્યાવસાયિક તકો વધી રહી છે. આ વિષયોનો અભ્યાસ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવામાં મદદરૂૂપ થઈ શકે છે.