સ્કૂલ બહાર છાત્રને અન્ય વિદ્યાર્થીએ પેટમાં કાતર ઝીંકી દીધી
નવસારીમાં અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના, હાથ અને પેટમાં 3 વાર કર્યા
નવસારીની SGM સ્કૂલની બહાર અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સામે આવી છે. જ્યાં બે વિદ્યાર્થીઓ વચ્ચે હાથાપાઈ થઈ હતી. જે દરમિયાન એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીના પેટમાં કાતર મારી દીધી હતી. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. જેને પગલે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પ્રાથમિક માહિતી અનુસાર, SGM શિરોયા સ્કૂલના ચાર-પાંચ વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર ભેગા થયા હતા. શરૂૂઆતમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. ઝઘડા દરમિયાન, એક વિદ્યાર્થીએ મોપેડ પર બેઠેલા અન્ય વિદ્યાર્થીને માથામાં ટપલી મારી હતી.
ત્યારબાદ બંને વચ્ચે મારામારી શરૂૂ થઈ હતી. જેમાં એક વિદ્યાર્થીએ ધારદાર વસ્તુ વડે હુમલો કરતા બીજા વિદ્યાર્થીને હાથ અને પેટના ભાગે ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતા રિશીત રાજાણીએ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર સ્કૂલમાંથી બહાર આવ્યા બાદ નાકા પર ઊભો હતો, ત્યારે અન્ય વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન હુમલો કરનાર વિદ્યાર્થીએ તેમના પુત્રના હાથ અને પેટ પર કાતર જેવા ધારદાર હથિયારથી ઘા માર્યા હતા, જેના કારણે તેને ઘણી જગ્યાએ ઈજાઓ થઈ છે. અમે આ બાબતે પોલીસને જાણ કરી છે. શાળાના આચાર્ય જોય સરે જણાવ્યું કે, આ સમગ્ર ઘટના શાળાથી 300 મીટર દૂર મેન રોડ ઉપર થઈ છે. અમે પણ આ ઘટના અંગે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મેં જ્યારે તમામ ટીચરને આ અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, આ ઘટના અંગે તેઓને પણ કઈ ખ્યાલ નથી. અમે શાળાઓમાં પેરેન્ટ્સ કાઉન્સિલ પણ બનાવ્યું છે જેમાં તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ શાળામાં ભણે તેવા પ્રયત્નો કરીએ છીએ. મને સોશિયલ મીડિયાથી આ સમગ્ર ઘટનાની જાણ થઈ છે. હું પણ તપાસ કરાવું છું.