MBBS પ્રવેશમાં ભૂલ બદલ વિદ્યાર્થિનીને વધારાની 6 માસની ગ્રામ્ય સેવાનો આદેશ
ગુજરાત હાઈકોર્ટે સોમવારે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) ને એક વિદ્યાર્થીનીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના MBBS કોર્સમાં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો છે, જેણે મહત્વની પ્રવેશ પ્રક્રિયા ચૂકી જતાં પોતાનો પ્રવેશ ગુમાવ્યો હતો. કોર્ટે આ નિર્ણય વિદ્યાર્થીનીએ ડોક્ટર બન્યા પછી ફરજિયાત એક વર્ષની ગ્રામ્ય સેવા ઉપરાંત વધારાના છ મહિનાની ગ્રામ્ય સેવા કરવાના વચન બાદ આપ્યો છે.
વિદ્યાર્થીનીએ પ્રવેશના ત્રીજા રાઉન્ડમાં અમદાવાદની કોલેજમાં પ્રવેશ મેળવ્યા બાદ, બીજા રાઉન્ડમાં મેળવેલી નડિયાદની મેડિકલ કોલેજની બેઠક છોડી દીધી હતી. જોકે, અમદાવાદની કોલેજમાં પ્રવેશ નિશ્ચિત કરવા માટે તેણે હેલ્પ સેન્ટર ખાતે પોતાનો પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર સબમિટ કર્યો નહોતો, જેના કારણે તેના પ્રવેશની પુષ્ટિ થઈ ન હતી અને પ્રવેશ રદ થયો હતો. વિદ્યાર્થીનીએ કોર્ટમાં દલીલ કરી હતી કે કોલેજના સ્ટાફ દ્વારા ખોટી સલાહ આપવામાં આવતા તેણે જરૂૂરી દસ્તાવેજો જમા કરાવ્યા નહોતા, જ્યારે તેણે ફી ભરી દીધી હતી અને લેક્ચર પણ શરૂૂ કરી દીધા હતા.
ન્યાયમૂર્તિ નિર્ઝર દેસાઈએ જણાવ્યું હતું કે, જો રાજ્યના ગ્રામ્ય વિસ્તારને એક લાયક મેડિકલ ડોક્ટરની છ મહિનાની વધારાની સેવા મળતી હોય, તો ₹ 5,000નો દંડ લાદીને, જે પ્રક્રિયાગત ક્ષતિ માટે માત્ર અરજદાર જ જવાબદાર છે, તેને આ કોર્ટ દ્વારા સુધારી શકાય છે.
હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે વિદ્યાર્થીની તેના પ્રવેશને નિયમિત કરાવવા માટે વધારાના છ મહિનાની ગ્રામ્ય સેવા અંગેનું સોગંદનામું સાંજે સુધીમાં રજૂ કરે. આ સાથે તેને પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર તાત્કાલિક જમા કરાવવા અને પ્રવેશની પુષ્ટિ કરવાની કાર્યવાહીનું પાલન કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. કોર્ટે જણાવ્યું કે ₹ 5,000નો દંડ એટલા માટે લાદવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીની ફરી આવી ભૂલ ન કરે.