સાવરકુંડલામાં માતૃત્વના અપમાન સમાન શબ્દો બોલનાર રાહુલ ગાંધીનો ઉગ્ર વિરોધ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગસ્થ માતાજી હીરાબા અંગે કોંગ્રેસના નેતાઓ ખાસ કરીને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ બિહારની જાહેર રેલીમાં કરવામાં આવેલી અપમાનજનક અને ઘૃણાસ્પદ ટિપ્પણી સામે દેશવ્યાપી આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટનાના વિરોધમાં સાવરકુંડલા શહેર ભાજપ તેમજ તાલુકા ભાજપ દ્વારા રિદ્ધિ-સિદ્ધિ ચોક ખાતે જ્વલંત વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
વિરોધ પ્રદર્શન દરમ્યાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, નાગરિકો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શહેર કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચારો થી ગૂંજી ઉઠ્યું હતું. જનતાના તીવ્ર આક્રોશ રૂૂપે કોંગ્રેસના નેતાઓના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે માતૃત્વ, પિતૃત્વ અને પરિવાર પર રાજકારણ કરવું એ કોંગ્રેસની વિકૃત અને પતિત માનસિકતાનું જીવંત ઉદાહરણ છે. રાજકીય સંસ્કૃતિના અંતિમ સંસ્કાર કોંગ્રેસે કરી નાખ્યા છે. આવા નિંદનીય કૃત્યોને ભાજપનો દરેક કાર્યકર અને દેશની જનતા અંતિમ શ્વાસ સુધી સહન નહીં કરે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ કોંગ્રેસ પર તીખો પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસે જાહેરજીવનના મૂલ્યોને રૌંદી નાખ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાની પૂજા થાય છે અને કોંગ્રેસ તે જ પવિત્ર મૂલ્યોનું અપમાન કરી રહી છે. આ તેમના પતનશીલ ચહેરાને દેશ સામે બેનકાબ કરે છે.
પ્રદર્શન દરમ્યાન ઉપસ્થિત કાર્યકરો તથા નાગરિકોએ રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. જનતાએ જણાવ્યું કે પરિવારજનોને નિશાન બનાવવાનું આકરા રાજકારણ દેશની લોકશાહી પર કાળિમા છે અને હવે કોંગ્રેસને જનતા કડક પાઠ ભણાવશે આ વિરોધ પ્રદર્શન દ્વારા કોંગ્રેસને ચેતવણી આપી કે ભારતીય સંસ્કૃતિ, મૂલ્યો અને માતૃત્વની ગૌરવગાથાને ઠેસ પહોંચાડનાર કોઈ પણ તત્વને માફ કરવામાં નહીં આવે. ભાજપ પરિવાર અને સજાગ જનતા હંમેશા આવા અપમાનજનક વર્તન સામે લડત આપવા તત્પર છે.