ગુજરાતમાં હવે ફટાકડાના લાઈસન્સ માટે આકરા નિયમો
ડીસામાં ફટાકડા ફેકટરીમાં થયેલ વિસ્ફોટ બાદ તપાસ કમિટીએ રજૂ કરેલા અહેવાલ બાદ લેવાયેલ નિર્ણય
ગૃહ વિભાગ દ્વારા SOP સાથે પરિપત્ર બહાર પાડ્યો 100 ફૂટથી નાની અને 270 ફૂટથી વધુની દુકાનને વેચાણ કે સંગ્રહની મનાઈ
બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેકટરીમાં થયેલા વિસ્ફોટના બનાવ બાદ રાજ્ય સરકારે તપાસ કમીટીની રચના કરી હતી.જે તપાસ કમીટીએ સરકારને આપેલા અહેવાલ બાદ ગૃહવિભાગે રાજ્યભરમાં ફટાકડાના પરવાનાની પ્રક્રિયા માટે નવી એસઓપી જાહેર કરી છે અને ફટાકડાના સંગ્રહ અને વેચાણને લઈને નિયમો કડક બનાવ્યા છે. હવે દિવાળી પૂર્વે ફટાકડાના વેચાણના પરવાના માટે વેપારીઓને આ આકરા નિયમો અપનાવવા પડશે.
ગૃહ વિભાગ દ્વારા જાહેર કરેલ નવી એસઓપી અંગે રાજ્યના તમામ પોલીસ કમિશ્નર, જિલ્લા પોલીસ વડા, મ્યુનિસિપલ કમિશ્નર તથા કલેકટરને નવા નિયમ અંગેનો અમલ કરવા પત્ર દ્વારા જાણ કરી છે. ગૃહ વિભાગે જાહેર કરેલા નવા નિયમો મુજબ નવા પરવાના માટે હવે અરજી મળ્યાના 60 દિવસમાં તેનો નિકાલ કરવો પડશે તેમજ એક કરતાં વધારે પરવાનાની અરજી કરનાર વેપારીની અરજી અંગે યોગ્ય ચકાસણી કરીને તેના ઉપર નિર્ણય લેવાનો રહેશે. વેપારીઓ ઘણી વખત લાયસન્સ માટે પોતાના અથવા તેમના નજીકના વ્યક્તિઓના નામે અરજી કરતાં હોય છે ત્યારે તે બાબતની ઉંડાણપૂર્વક તપાસ કરવા જણાવ્યું છે. તેમજ બાંધકામ અને નકશા સાથે બાંધકામની સામન્યતા તપાસ કરવા અને અરજી સાથે રજૂ કરવામાં આવેલા નકશા અને દસ્તાવેજોની ખાનગી એન્જીનીયર કે અન્ય કોઈ જવાબદાર વ્યક્તિ દ્વારા નકશા તૈયાર થયા હોય તેની ચકાસણી જરૂરી બનાવવામાં આવી છે તેમજ સ્થળ પરિક્ષણ વખતે પરવાના વાળા સ્થળની તપાસ દરમિયાન અરજી સાથે જગ્યાનો મંજુર થયેલ પ્લાન, બાંધકામ સહિતની બાબતો ખરાઈ કરી પંચનામુ કરી તે વિગત દર્શાવવા જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત ધી એક્ષપ્લોઝિવ રૂલ્સ, 2008ના નિયમોમાં દર્શાવેલ જોગવાઈઓ અનુસાર કોઈપણ ફટાકડાના વેચાણ અને સંગ્રહ માટે ઓછામાં ઓછું 100 ફુટથી નાનુ અને 270 ફુટથી વધુની દુકાન ન હોવી જોઈએ જેની ખાસ ખાતરી કરી હાલમાં જે લાયસન્સ આપવામાં આવ્યા છે તે માટે પણ આ નિયમો લાગુ કરવામાં આવ્યો છે. તેમજ જગ્યાપરનું ઈલેકટ્રીકલ ફીટીંગ દિવાલની અંદર હોવું જોઈએ તેમજ ફાયર સેફટી બાબતે યોગ્ય ચકાસણી કરી ફાયરના સાધનો આઈએસઆઈ મારકા વાળા તેમજ એકસપાયરી થઈ ગયા હોય તેવા ન હોવા જોઈએ.
તેમજ આગ લાગવાની ઘટના સમયે દુકાનમાં કયા વ્યક્તિને ફાયર ઈક્વિપમેન્ટનો ઉપયોગ કરવાની જાણકારી છે ? અને તે દુકાનમાં શું કામ કરે છે તેની વિગતો દર્શાવી જરૂરી બનાવાઈ છે.
આગ લાગવાના બનાવ વખતે ફાયર ફાઈટરની સેવા જગ્યા સુધી પહોંચી શકે છે કે કેમ ? તે મુુજબના એપ્રોચ રોડ અને રસ્તા છે કે કેમ ? તેની રૂબરૂ ચકાસણી કરવી. તેમજ રિન્યુ તથા ઈન્પેકશન વખતે એલ.ઈ.-5 પરવાનાની શરતો મુજબ સ્ટોક રજીસ્ટરની ચકાસણી કરી સ્ટોક કરતાં અનઅધિકૃત રીતે વધારાના ફટાકડાનો જથ્થો મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા ભલામણ કરવામાં આવી છે. લાયસન્સ પ્રક્રિયા માટે ઈન્પેકશન ઓછામાં ઓછું વર્ષમાં એક વાર કરવું જરૂરી છે. તેમજ ઈન્પેકશન માટેની સત્તા એક્ઝિકયુટીવ મેજીસ્ટ્રેટ, જિલ્લા કલેકટર, પીએસઆઈથી નીચેના દરજ્જાના કર્મચારીઓએ કરવાના બદલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવાની રહેશે. લાયસન્સ રિન્યુ અને રદ કરવાની કામગીરી એક મહિનામાં પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે.