ઉનામાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત: વૃધ્ધને ખુંટિયાએ શીંગડે ચડાવતા સારવાર હેઠળ
મુખ્ય બજારમાં રખડતાં ઢોરનો ત્રાસ હોવાનો લોકોનો આક્ષેપ
ઉના શહેરમાં રખડતા ખૂંટિયાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. મિલન કોમ્પ્લેક્ષ વિસ્તારમાં બનેલી તાજી ઘટનામાં એક વૃદ્ધને ખૂંટિયાએ ગંભીર ઈજા પહોંચાડી છે.
મિલન કોમ્પ્લેક્ષ વિસ્તારમાં બે ખૂંટિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. આ વિસ્તારમાં મજૂરી કામ કરતા 62 વર્ષીય અઝીઝભાઈ જમાલુદીનભાઈ સિદ્દીકીએ રાહદારીઓની સુરક્ષા માટે લાકડી લઈને ખૂંટિયાઓને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન પાછળથી આવેલા એક ખૂંટિયાએ તેમને સીંગડાથી મારીને જમીન પર પટકાવ્યા હતા.સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્ત અઝીઝભાઈને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
શહેરની મુખ્ય બજારમાં રખડતા ખૂંટિયાઓના ત્રાસ અંગે વ્યાપક ફરિયાદો ઉઠી છે. સોમનાથનગર વિસ્તારમાં પણ વેપારીઓ અને રાહદારીઓ ખૂંટિયાઓના ત્રાસથી પરેશાન છે. સ્થાનિક તંત્ર આ સમસ્યા પ્રત્યે બેધ્યાન હોવાનો લોકોનો આક્ષેપ છે.