ગુજરાતનો વિચિત્ર ટ્રેન્ડ! જણવામાં દીકરો, દત્તક લેવામાં દીકરીનો ટ્રેન્ડ
દત્તક લેવાતા 10 બાળકોમાંથી 6 દીકરીઓ, છેલ્લા ત્રણ વર્ષમાં 189 બાળકીઓ દત્તક લેવાઇ
મોટાભાગના પરિવારમાં દિકરી કરતા દીકરાને વધુ મહત્વ આપવામાં આવે છે. માતા-પિતા પણ સંતાનમાં દીકરો જન્મે તેવા પ્રયાસોમાં રહે છે. પરિણામે દીકરીઓની સંખ્યામાં પણ સતત ઘટાડો નોંધાય છે. છેલ્લી વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં 1000 જન્મદર સામે દીકરીઓની સંખ્યા દીકરાની સરખામણીમાં 919 ની છે. આમા પણ મહત્વની વાત એ છે કે ગુજરાતના શહેરી જીલ્લાઓ કરતા ડાંગ અને તાપી જીલ્લામાં 1000 દીકરાના જન્મ સામે દીકરીઓની સંખ્યા પણ સમાન છે. જો કે આ બધા વચ્ચે એક સારા સમાચાર એ છે કે દતક લેવામાં દીકરઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં પુત્રની ઘેલછામાં દીકરીઓનો જન્મદર ઓછો હતો. પરંતુ હવે સમય બદલાયો છે. ગુજરાતી પરિવારોને હવે દીકરીઓ વ્હાલી લાગવા લાગી છે. ગુજરાતીઓ હવે દીકરીઓ પર વ્હાલ વરસાવવા લાગ્યા છે. આંકડા બતાવે છે કે, ગુજરાતમાં દત્તક લેવામાં આવતા 10 બાળકોમાંથી 6 દીકરીઓ હોય છે. ગુજરાતમાં 3 વર્ષમાં લેવાયેલા 337 બાળકોમાંથી 189 દીકરી છે.
તાજેતરમાં આંકડા સામે આવ્યા છે, જે બતાવે છે કે ગુજરાતમાં હવે દીકરીઓનું મહત્વ વધ્યું છે. એક અહેવાલ અનુસાર ગુજરાતમાંથી વર્ષ 2020-21થી 2022-23 દરમિયાન કુલ 337 બાળકો દત્તક લેવામાં આવ્યા છે. જેમાંથી 189 દીકરી અને 148 દીકરાનો સમાવેશ થાય છે. આ પૈકી 294 સંતાનોને દેશના જ્યારે 43 સંતાનોને વિદેશના માતા-પિતા દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. દેશમાં દત્તક લેવામાં આવેલા આ 294માંથી 160 જ્યારે વિદેશમાં દત્તક લેવામાં આવેલા 43 બાળકોમાંથી 29 દીકરી છે.
અગાઉ ગુજરાતમાં દીકરીને ઘરનો ભાર ગણાવાતી હતી. દીકરી આવે એટલે માતાપિતાને તેના લગ્ન, ક્ધયાદાન, દહેજની ચિંતા સતાવતી. ગુજરાતમાં દીકરાનું મહત્વ વધુ રહેતું, ત્યારે હવે સમય બદલાયો છે. સંતાન ન હોવા છતા પણ માતાપિતા દત્તક તરીકે દીકરીને લેવાનું પસંદ કરે છે. જે બતાવે છે કે દીકરાઓનો મોહ ઓછો થયો છે. દેશમાં દીકરીઓને દત્તક લેવામાં મહારાષ્ટ્ર રાજ્ય મોખરે છે. દીકરીઓના દત્તક લેવાના મામલે ગુજરાત ટોચના આઠ રાજ્યોમાં પણ સામેલ નથી.
દત્તક સંતાનમાં દીકરી પ્રથમ પસંદગી અંગે જાણકારોનું માનવું છે કે પતિ-પત્ની આજે પણ દત્તક સંતાન માટે આવે ત્યારે તેમાંથી મોટાભાગના દીકરી ઉપર સૌપ્રથમ પસંદગી ઉતારે છે. આ માટે મુખ્ય કારણ એ છે કે પતિ-પત્ની માનવું હોય છે કે પાછલી જીંદગીમાં પુત્ર કરતાં પુત્રી વધારે સાથ આપશે. પુત્ર કરતાં પુત્રી વધારે લાગણીશીલ હોય છે.