રેગિંગ બંધ કરો, અમને ન્યાય આપો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગ કેસમાં મૃત્યુ પામેલા યુવાનને ઝડપી ન્યાય મળે તે માટે ધાંગધ્રા નાયબ કલેક્ટરને વિશાળ રેલી સાથે લેખિતમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. મૃતક યુવક પરિવારનો એકનો એક દીકરો હતો. ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામના યુવક સાથે બનેલી ઘટનામાં હજારોની સંખ્યામાં લોકોએ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય, સમાજના આગેવાનો, ઉદ્યોગપતિ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
મૃતકના પરિવારજનો દ્વારા ઝડપી ન્યાય મળે તેમજ કસૂરવારો સામે ઝડપી કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી હતી. મૃતક યુવક પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. કોલેજમાં 15 જેટલા સીનીયર વિદ્યાથીઓ દ્વારા જુનીયરોને રેંગિગ કરતા હોવાનો પરિવારનો આક્ષેપ હતો. ધારપુર મેડિકલ કોલેજ દ્વારા હાલ 15 વિદ્યાર્થીઓને કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને FIR નોંધવામ આવી છે. હાલ આ પંદર વિદ્યાથીઓ જેલ હવાલે છે. કોઈ પણ સમાજના વિદ્યાથીઓ સાથે આવી ઘટના ન બને તે માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે અને આ કૃત્ય કરનાર લોકોને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી છે.
ધારપુર મેડીકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનિલભાઈ મેથાણીયા તેમના પરિવારમાં એકના એક દીકરા હતા. આ બનાવને કારણે પરિવાર શોકમાં ગરકાવ છે. ત્યારે આજેરોજ ધાંગધ્રા ખાતે પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા એક આવેદનપત્ર ધાંગધ્રા નાયબ કલેક્ટરને આપવામાં આવ્યું હતું. જેની અંદર મૃતકના પરિવારના સભ્યો તેમજ પાટીદાર સમાજ તેમજ વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા.