વાહનોની મફત સવારી બંધ, કોમર્સિયલ દર વસુલવા સ્ટે. ચેરમેનનો આદેશ
10 વર્ષ પહેલાં રૂા. 2 પ્રતિ કિલોમીટરનો થયેલો ઠરાવ રદ કરી બજાર મુજબ નવો દર નક્કી કરી દરખાસ્ત બનાવવાની સૂચના આપી
મહાનગરપાલિકાના મેયર તેમના મિત્રો સાથે ગત તા. 6 ના રોજ કુંભ મેળામાં સરકારીગાડી લઈને પહોંચતા મોટો વિવાદ સર્જાયો છે. અને આ મુદ્દે સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે સરકારના નિયમ મુજબ કમિશનર પાસેથી મંજુરી મેળવ્યા બાદ તેઓ પ્રયાગરાજ ગયા છે તેવુ જણાવેલ પરંતુ કિલોમીટર દિઠ ફક્ત બે રૂપિયા ગુજરાત બહારનું ભાડુ વસુલાશે તેમ જણાવી આ ભાડુ મામુલી કહેવાય આથી 10 વર્ષ પહેલા થયેલાઠરાવને રદ કરી હવે કોમર્શીયલ દર એટલે કે બજાર ભાવ મુજબના ભાડાદરની દરખાસ્ત તૈયાર કરી ઠરાવ રજૂ કરવાનો આદેશ અધિકારીઓને આપવામાં આવ્યો છે.
મેયર નયનાબેન પેઢડિયા પ્રયાગરાજ સરકારી ડ્રાઈવર સાથેની ગાડી લઈને પહોંચતા ભારે વિવાદ સર્જાયો છે. ગુજરાતની અંદર સરકારી કામ માટે પદાધિકારીઓને કોઈ પણસ્થળે સરકારી ખર્ચે મુસાફરી કરવાનો નિયમ અમલમાં છે પરંતુ ગુજરાતની બહાર જવા માટે મંજુરી લેવી પડે છે તેમજ ઠરાવમાં નિયત કરેલ ભાડુ પણ વસુલવામાં આવે છે. આથી મેયર ગુજરાત બહાર ગયેલા હોય તેમની સાથે રહેલા ડ્રાઈવરે ગુજરાતની બહાર નિકળ્યા બાદ બાકીના તમામ કિલોમીટરની લોકબુકમાં એન્ટ્રી કરી કિલોમીટર દિઠ રૂા. 2 ભાડુ વસુલવામાં આવશે. તેમ જણાવ્યું છે.
છતાં 10 વર્ષ પહેલા નક્કી થયેલ ભાડાના દર હવે મોંઘવારી વધતા મામુલી કહેવાય અને ફક્ત બે રૂપિયામાં પદાદિકારીઓ અથવા અધિકારીઓ દ્વારા મુસાફરી કરવામાં આવે તો તેનું ભારણ પ્રજા ઉપર આવે છે આથી ચેરમેને 10 વર્ષ પહેલા પ્રતિ કિલોમીટરના રૂા. 2 ના ઠરાવને રદ કરવાનો આદેશ આપ્યો છે. અને સાથો સાથ બજાર ભાવ મુજબના કોમર્શીયલ દર નક્કી કરી તેને લાગુ કરવામાં આવે અને આ મુજબની દરખાસ્ત અને ઠરાવને મંજુરી અર્થે સ્ટેન્ડીંગમાં મોકલવામાં આવે તેવી સુચના આપવામાં આવી છે.
ચેરમેને વધુમાં જણાવેલ કે, ગુજરાતની બહાર મુસાફરી કરવા માટે સરકારી ગાડીનો ઉપયોગ થાય ત્યારે પદાધિકારીઓ અને અધિકારીઓએ 10 વર્ષ પહેલા નિયત કરેલ ભાડુ કિલોમીટર દિઠ ચુકવવાનું હોય છે. પરંતુ 10 વર્ષ પહેલાની મોંઘવારી અને હાલના ફ્યુલના ભાવ જોતા આ ભાડુ મામુલી કહેવાય તેમજ 10 વર્ષ પહેલા ઠરાવ થયેલ છે તેમાં વખતો વખત સંકલન કરીને ભાવ વધારો સુચવવામાં આવ્યો નથી. આથી હવે કોમર્શીયલ દર મુજબ ભાડાના દર નક્કી કરી દર બે વર્ષે તેમાં વધારો કરવામાં આવે તે મુજબનો ઠરાવ તૈયાર કરવામાં આવશે. હાલ કોમર્શીયલ દર મુજબ ડિઝલ કારના રૂા. 12 થી 13 પ્રતિ કિલોમીટર દીઠ વસુલાય છે.
જેની સામે મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલ સરકારી ગાડીઓમાં ડ્રાઈવર સહિતની કારના કિલોમીટર દિઠ રૂા. ફક્ત 2 વસુલવામાં આવી રહ્યા છે. જેમાં હવે વધારો સુચવવામાં આવ્યો છે. સ્ટેન્ડીંગમાં નવા દરનો ઠરાવ રજૂ થયા બાદ મંજુર કરી દર બે વર્ષે બજારભાવ મુજબ વધારો કરવાની પણ જોગવાઈ કરવામાં આવશે.
પદાધિકારીઓ સાથે ફક્ત ફેમિલી મેમ્બર જ જઈ શકે છે
મનપાના મેયર નયનાબેન પેઢડિયા તા. 6 ના રોજ પ્રયાગરાજ સરકારી ગાડીમાં પહોંચતા તેનો ભારે વિવાદ થયો છે. ત્યારે તંત્ર દ્વારા મેયરે કમિશનરની મંજુરી લઈ ગુજરાતની બહાર કિલોમીટર દિઠ રૂા. 2 તેમની પાસેથી વસુલવામાં આવે તેમ જણાવ્યું છે. પરંતુ પદાધિકારીઓ ગુજરાતની બહાર અથવા અન્ય કામસર કોઈપણ સ્થળે જાય ત્યારે તેમની સાથે તેમના ફેમીલી સભ્યોને લઈ જઈ શકે છે તેવો નિયમ અમલમાં છે. જેની સામે પ્રયાગરાજ ગયેલા મેયરની સાથે તેમના ફેમીલી મેમ્બર ન હોય અન્ય કોર્પોરેટરો ગયા હોવાનું જાણવા મળેલ છે. આથી સરકાર દ્વારા સુચવવામાં આવેલા ફેમીલી મેમ્બરના નિયમનો ભંગ થયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. છતાં પ્રયાગરાજથી મેયર પરત આવે ત્યાર બાદ આગળની કામગીરી હાથ ધરાશે તેમ જાણવા મળેલ છે.