મનપામાં ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ આપવાનું બંધ કરો: શહેર કોંગ્રેસના આગેવાનોની કમિશનરને રજૂઆત
મનપામાં ઘણા કામો ટેન્ડર પ્રસિધ્ધ કર્યા વગર જ મળતીયાઓ દ્વારા કરાવી લેવાતા હોવાનો આક્ષેપ કરી આજે શહેર કોંગ્રેસનાં પ્રમુખ અતુલ રાજાણી અને પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ મ્યુ.કમિશ્નરને લેખિત રજુઆત કરી હતી. આ બન્ને કોંગ્રેસી આગેવાનોએ રજુઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકામાં કરવામાં આવતાં કામો અંગે પોતાના મળતીયાઓના કોન્ટ્રાકટરોને લાભ આપવાના ઈરાદે ભ્રષ્ટાચાર આચરવાના પગલે અમુક કામોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરાયો છે. માત્ર ઘરના ને ઓળખીતાને ઉચા ભાવે કામ આપી પ્રજાના પૈસાનો દુર ઉપયોગ કરવો ન જોઈએ અને શહેરનાં દૈનિક વર્તમાન પત્રોમાં ટેન્ડર પ્રક્રિયા અંગેની કોઈપણ પ્રકારની જાહેરાતો આપવામાં આવતી નથી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના દિવસે આતશબાજીના કાર્યક્રમો અને દિવાળીની રોશનીના કાર્યક્રમો યોજવામાં આવે છે જે કાર્યક્રમના આગોતરૂ આયોજન કરી ટેન્ડર પ્રક્રિયા તાત્કાલીક હાથ ધરવામાં આવે તે જરૂરી છે.
મહાનગરપાલિકામાં બે લાખથી વધુ કામો અંગે ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત છે અને તેમ છતાં આ નિયમોનો ઉલાળીયો કરી લાખોના કામો સત્તાધીશોની સીધી દોરવણી હેઠળ આપી દેવામાં આવે છે. પારદર્શક વહીવટીના બણગા ફુંકનારા ભાજપની અસલિયત પ્રજા સમક્ષ ખુલી ગઈ હોવાનું કોંગી આગેવાનો કહે છે.
ભૂતકાળમાં વડાપ્રધાનના કાર્યક્રમોમાં, ધનતેરસના આતશબાજીના કાર્યક્રમો, રોશનીમાં ટેન્ડર પ્રસિધ્ધ કર્યા વગર કામો આપી દેવાયાનું રેકોર્ડ પર હોવાનું જણાય છે. ઓછા ખર્ચે સારો વહીવટ થવો જોઈએ અને મહાત્મા ગાંધીના ગુજરાતમાં માનવતા સાદગીને વિશેષ મહત્વ આપવું જોઈએ. પ્રજાના પૈસાનો સદઉપયોગ થાય તે ખુબ જ જરૂરી છે. તાઈફા બંધ કરો અને પ્રજાના એક એક પૈસાનો સદઉપયોગ થવો જોઈએ.
બે લાખથી વધુના કામો વગર ટેન્ડરે આપવામાં આવેતો જવાબદાર અધિકારી કે પદાધિકારી સામે યોગ્ય કાર્યવાહી કરવા શહેર કોંગ્રેસના અતુલ રાજાણી અને વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ માંગ કરી છે.